- રાજ્યમાં હીરા ઉદ્યોગને કોરોનાકાળ ફળ્યો
- 2021માં એપ્રિલના એક્સપોર્ટમાં ધરખમ વધારો
- માત્ર ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં ઘટાડો
સુરત : કોરોનાની પ્રથમ લહેર હોય કે બીજી લહેર, તે દરેક ઉદ્યોગ માટે ચિંતાજનક અને નુક્સાનદાયક રહી છે. તેનાથી વિપરીત સુરત હીરા ઉદ્યોગ અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે લાભકારી સાબિત થઈ છે. વર્ષ 2019-20 એપ્રિલમાં થયેલા એક્સપોર્ટ કરતા વર્ષ 2021માં એપ્રિલ માસ સુધીના એક્સપોર્ટમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. માત્ર ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે હીરા ઉદ્યોગને લગતા તમામ ક્ષેત્રમાં બમણો એક્સપોર્ટ જોવા મળ્યો છે.
કોરોનાકાળમાં સુરતના હીરા ચમક્યા, એક્સપોર્ટમાં બમણો વધારો લેબ્રોન ડાયમંડમાં 360 ટકાનો વધુ એક્સપોર્ટ
વર્ષ 2019ની સરખામણીમાં આ વર્ષે હીરા ઉદ્યોગ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને ખાસ્સો નફો થયો છે. આ વર્ષે એક્સપોર્ટમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. Gem Jewelry Export Promotion Council ના વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, 2019-20 એપ્રિલની સરખામણીમાં એપ્રિલ 2020-21ના એક્સપોર્ટની વાત કરવામાં આવે તો કટિંગ અને પોલિશિંગ ડાયમંડમાં 38 ટકાનો ગ્રોથ, જ્યારે લેબ્રોન ડાયમંડમાં 360 ટકાનો વધુ એક્સપોર્ટ જોવા મળી રહ્યો છે. જ્વેલરી સેકટર અંગે તેમણે જણાવ્યું હતું કે, ચાંદીની જવેલરીમાં 250 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. જ્યારે બીજીબાજુ પ્લેટિનમ જ્વેલરીમાં 125 ટકાનો ગ્રોથ એક્સપોર્ટમાં જોવા મળે છે પરંતુ ગોલ્ડ જ્વેલરીમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેમ્સ એન્ડ જ્વેલરી સેકટર જે અલગ અલગ ભાગ છે. માત્ર એકને બાદ કરતાં તમામમાં પોઝિટિવ રીઝલ્ટ છે.
75 ટકા જેટલી ખરીદી અમેરિકામાં થતી હોય છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની જે પરિસ્થિતિ વિશ્વમાં ઊભી થઈ છે. તેના કારણે લોકો માને છે કે, આ પરિસ્થિતિ ચીનના કારણે થઈ છે. જે ઓર્ડરો ચીનને મળતા હતા તે હાલ ભારતના ઉદ્યોગકારોને મળી રહ્યા છે. એટલું જ નહીં ભારતથી 75 ટકા જેટલી ખરીદી અમેરિકામાં થતી હોય છે અને હાલ કોરોનાની સ્થિતિ અમેરિકામાં સામાન્ય થઈ ગઈ છે. જેથી ખરીદીનું પ્રમાણ પણ વધ્યું છે.