સુરતઃ જિલ્લાના પુણા ગામમાં ધન્વંતરી આરોગ્ય રથમાંથી એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવી હતી. પાલિકાના કર્મચારી સામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરાતા હોવાનો આરોપ કરવામાં આવ્યા હતા.
પુણા ગામમાં ધન્વંતરી આરોગ્ય રથમાંથી એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અને પુણાગામ વિસ્તારના કોંગી કોર્પોરેટર સુરેશ લુહારે જણાવ્યું હતું કે, પુણા ગામમાં આવેલી સીતા નગર સોસાયટીના પ્રમુખે તેમને માહિતી આપી હતી કે, પાલિકાના ધન્વંતરી આરોગ્ય રથમાં એક્સપાયરી ડેટ વાળી દવાઓ લોકોને આપી આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. જે માહિતીના આધારે સ્થાનિક કોર્પોરેટર દિનેશ રાવલીયા અને સુરેશ સુહાગિયાએ ધનવંતરી રથમાં તપાસ કરતા મોટા પ્રમાણમાં એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવી હતી. જે જોઈ તે પણ ચોંકી ઉઠ્યા હતા.
વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં ધનવંતરી રથ પર ફરજ બજાવતા તબીબે તપાસ કરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. જો કે, આમ છતાં લોકોના આરોગ્ય સાથે થઈ રહેલા ચેડાંના પગલે બન્ને કોર્પોરેટરો દ્વારા તપાસ કરી પાલિકાના કર્મચારીઓની બેદરકારીને ઉઘાડી પાડવામાં આવી હતી. પુણા ગામના કોર્પોરેટરે આ સમગ્ર મામલે તપાસ કરી કસૂરવારો સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માગ કમિશ્નર પાસે કરી છે.
પુણા ગામમાં ધન્વંતરી આરોગ્ય રથમાંથી એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવી ETV BHARAT સાથે ટેલિફોનીક વાતચીતમાં મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આ વિટામિનની ગોળી છે. જે 10 દિવસ પહેલાં જ એક્સપાયર થઇ ગઇ છે. જે અંગે ધન્વંતરી રથના ડૉક્ટર પાસે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વધુમાં તેમણે વધુમાં જણાવ્યું કે, આ સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવશે.