ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત: રાત્રિ કરફ્યૂને કારણે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને રૂપિયા 1200 કરોડનું નુકસાન - event management industry of surat

કોરોનાને કારણે છેલ્લા ઘણા મહિનાથી લોકોના ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 8 મહિનાથી હાલાકીનો સામનો કરી રહેલી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓની સ્થિતિ અનલૉક બાદ પણ જેમની તેમ જ છે. હાલમાં ચાલી રહેલા સંક્રમણના માહોલ અને રાત્રિ કરફ્યૂને કારણે ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીને રૂ. 1200 કરોડનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

રાત્રિ કર્ફ્યૂને કારણે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને રૂ. 1200 કરોડનું નુકસાન
રાત્રિ કર્ફ્યૂને કારણે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને રૂ. 1200 કરોડનું નુકસાન

By

Published : Nov 24, 2020, 2:07 PM IST

  • છેલ્લા 8 મહિનાથી ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી આર્થિક ભીંસમાં
  • કેટરિંગ, મંડપ, લાઈટિંગવાળાઓની હાલત કફોડી
  • રાત્રિ કરફ્યૂએ પડતા પર પાટુ માર્યું

સુરત: કોરોના વાઇરસે સામાન્ય જનજીવનમાં ઘણી ઉથલપાથલ મચાવી દીધી છે. ખાસ કરીને સિઝનેબલ વેપાર કરતા લોકોની હાલત ખુબ જ કફોડી બની છે. ગુજરાતની ઈવેન્ટ ઇન્ડસ્ટ્રીઓની વાત કરીએ તો સાઉથ ગુજરાતમાં નાના-મોટા મળીને અંદાજિત 5 જેટલા એસોસિએશનો છે. તેમાં રજીસ્ટર્ડ લોકો 12 હજારની આસપાસ છે અને તેમાં અંદાજે સાડા 6 થી 7 લાખ જેટલો સ્ટાફ છે. અનલૉક બાદ સરકારે પણ થોડી ઘણી રાહત આપતા માંડ માંડ કામકાજ શરૂ થયું હતું, પરંતુ દિવાળીના તહેવારો બાદ કોરોના વકરતા રાત્રિ કરફ્યૂ લાદવાનો નિર્ણય લેવાયો જેને લીધે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી ફરીવાર આર્થિક ભીંસમાં આવી ગઇ છે.

રાત્રિ કરફ્યૂને કારણે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને રૂપિયા 1200 કરોડનું નુકસાન
રાત્રિ કરફ્યૂને કારણે બુકિંગ કેન્સલ થવા માંડયા

લોકડાઉનને કારણે ઘણા વ્યક્તિઓના લગ્ન મોકૂફ થયા હતા. તેમના બુકિંગ મળવા લાગતા ધીમે ધીમે આ ઉદ્યોગ બેઠો થઇ રહ્યો હતો. પરંતુ રાત્રિ કર્ફ્યૂને કારણે હવે ફરી બુકિંગ કેન્સલ થવા માંડયા છે. જેને કારણે ઈવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ લોકો ખૂબ મોટી આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે વિકાસ જુનેજા કહે છે કે, એક અંદાજ પ્રમાણે ઇવેન્ટ્સ, કેટરિંગ, મંડપ, લાઈટિંગ મળીને 1200 કરોડ રૂપિયાનું નુકસાન થશે. કુલ મળીને આશરે 2500 થી 3000 જેટલા બુકિંગ હતા અને છેલ્લા 7 મહિનાની મોકૂફ ઈવેન્ટ્સ અમને આ દોઢ મહિનામાં પૂરી કરવાની આશા હતી પરંતુ આ રાત્રિ કરફ્યુને કારણે તે શક્ય બનશે નહીં. આથી અમને મોટું નુકસાન થશે. છેલ્લા આઠ મહિનાથી વેપાર થયો નથી.

લોન લઇને બેઠેલા લોકોને આવ્યો રડવાનો વારો

આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકો એવા છે જેમણે તેમના ખર્ચાને પહોંચી વળવા લોન પણ લીધી હતી. હવે આ લોન કઈ રીતે ચૂકતે કરી શકાશે તે ચિંતાને લીધે તેમને રડવાનો વારો આવ્યો છે. કોરોના ફેઝ-2 ને કારણે રાત્રિ કર્ફ્યૂ જાહેર કરાતા આર્ટિસ્ટ સહિત 7 લાખથી વધુ લોકોની રોજગારી પર ભયંકર આર્થિક સંકટ તોળાઇ રહ્યું છે અને તેમના પરિવારોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details