- 3થી 4 કલાક રાહ જોયા બાદ આવે છે નંબર
- પ્રત્યેક સેન્ટર પર રોજના 150થી 200 દર્દીઓ આવે છે
- કોરોના સંક્રમણને લઈને HRCT રિપોર્ટ માટે લાંબી લાઇન
સુરત:જિલ્લામાં બારડોલી સહિત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કેટલાક લોકો રેપીડ એન્ટિજન કે RT-PCR ટેસ્ટની જગ્યાએ કોરોનાનું સંક્રમણ જાણવા માટે સીટી સ્કેનનો સહારો લઈ રહ્યા છે. જોકે સીટી સ્કેન સેન્ટર પર લોકોની લાંબી લાઈન લાગતા ત્યાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. બારડોલીના 4 સીટી સ્કેન સેન્ટરો પર સવારથી જ લાંબી કતાર જોવા મળી રહી છે. દરેક સીટી સ્કેન સેન્ટર પર રોજના 150થી 200 લોકો સીટી સ્કેન કરાવવા આવી રહ્યા છે. જેમાંથી 80 ટકા દર્દીઓ કોરોના પોઝિટિવ આવતા હોવાનું જાણવા મળે છે.
બારડોલીના સીટી સ્કેન સેન્ટર હાઉસફુલ
સંક્રમણ વધતા લોકોની કોરોનાના ટેસ્ટિંગ સેન્ટર પર પણ લાંબી લાઇન જોવા મળે છે. કેટલાક સેન્ટરો પર ટેસ્ટ માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી જતા અનેક જગ્યાએ ટેસ્ટિંગ કીટ પણ ખૂટી પડી છે. જેને કારણે તાત્કાલિક પરિણામ મેળવવા માટે લોકો સીટી સ્કેનનો સહારો લઈ રહ્યા છે. બીજી તરફ રેપીડ અને RT-PCRમાં પોઝિટિવ આવેલા દર્દીઓમાં પણ કોરોના સંક્રમણ કેટલું છે તે જાણવા માટે તબીબો દર્દીઓને સીટી સ્કેન કરવા માટેની સલાહ આપી રહ્યા છે. જેને કારણે હવે બારડોલીના સીટી સ્કેન સેન્ટર પણ હાઉસફુલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો:વડોદરામાં શહેર પ્રમુખની દરમિયાનગીરી બાદ સીટી સ્કેનના ભાવ ઘટાડાયા