- રાજ્યના અંદાજે 2,000 લોકો મ્યુકરમાઈકોસીસ નામના રોગનો કરી રહ્યા છે સામનો
- આ રોગના અનેક કિસ્સાઓમાં લોકોએ પોતાની આંખની રોશની ગુમાવી
- આ રોગ કોરોના પછી સાજા થયેલા વ્યક્તિઓને વધારે થઈ રહ્યોછે
સુરતઃ શહેરના કતારગામ ખાતે આવેલા કિરણ હોસ્પિટલમાં નાક, કાન, ગળાના સ્પેશિયાલિસ્ટ તબીબો પાસે દરરોજ 15થી 20 કેસ મ્યુકરમાઈકોસીસના નોંધાઈ રહ્યા છે. કિરણ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં 40 પેશન્ટ આ રોગના દાખલ થયા છે અને હાલ ઓપરેશન માટે 60થી વધુ લોકો વેઈટિંગમાં છે. જે પૈકી 7 દર્દીને આંખના ઓપરેશન કરવાની ફરજ પડી છે. આ અત્યંત ગંભીર રોગના લક્ષણો ખૂબ જ સામાન્ય છે, જો સમયસર સારવાર ન મળે તો આ રોગ વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે. તેમજ અનેક કિસ્સાઓમાં લોકોએ પોતાની આંખની રોશની ગુમાવી છે. આ રોગ કોરોના પછી સાજા થયેલા વ્યક્તિઓને વધારે થઈ રહ્યો છે.
ડાયાબિટિશ ઉપરાંત કેન્સર અથવા તો ચામડીના રોગ હોય તેવા દર્દીઓને આ રોગનું જોખમ વધુ
આ રોગ અંગે કિરણ હોસ્પિટલના ENT સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ભાવિન પટેલે જણાવ્યું હતું કે, આ રોગ પોસ્ટ કોરોના ઇફેક્ટ છે. મોટાભાગે ડાયાબિટીસના દર્દીઓ અથવા તો જેને ડાયાબિટીસ થવાની શક્યતાઓ છે આવા દર્દીઓ જ્યારે કોરોનાથી સાજા થઈને ઘરે આવે છે ત્યારે તેમાં આ રોગ વધારે જોવા મળી રહ્યો છે. આ રોગના દર્દીઓ જો સમયસર સારવાર નહીં લે તો આંખની રોશની ગુમાવવી પડે છે અથવા તો મોત થાય છે. અનેક કેસમાં સ્ટીરોઇડ આપવાથી સુગર લેવલ વધે છે, જે બાદમાં દર્દીને આડ અસર કરે છે. ડાયાબિટિશ ઉપરાંત કેન્સર અથવા તો ચામડીના રોગ હોય તેવા દર્દીઓને આ રોગનું જોખમ વધુ હોય છે.
આ પણ વાંચો- અમદાવાદ બાદ વડોદરામાં મ્યુકરમાઇકોસિસનો પગપેસારો, મ્યુકરમાઇકોસિસ રોગથી એક વૃદ્ધનું મોત
ફંગસ મગજ સુધી પહોંચી જાય તો વ્યક્તિનું બચવું મુશ્કેલ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રોગપ્રતિકારક શક્તિ જે લોકોમાં ઓછી હોય તેમને આ રોગ વધારે થવાની સંભાવના હોય છે. આ ફન્ગસની શરૂઆત નાક ભરાઈ જાય ત્યાંથી શરૂ થાય છે અને ત્યારબાદ શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ જતી હોય છે અને ધીમે ધીમે ફેફસા અને મગજ સુધી પહોંચી જાય છે. જો સમયસર સારવાર નહીં કરવામાં આવે તો દર્દીનું મોત નિપજે છે. બીમારીમાં શ્વાસ લેવામાં થતી તકલીફો અને આંખ ઝીણી થવી અથવા તો ચહેરા પર એક બાજુ સોજો આવવો આ લક્ષણ છે. જો ફંગસ આખ સુધી જાય તો આંખની રોશની જવાની નોબત આવે છે અને જ્યારે આ ફંગસ મગજ સુધી પહોંચી જાય તો વ્યક્તિનો બચવું મુશ્કેલ બની જાય છે.