બારડોલી: સુરતના રાંદેર રોડની સુર્યપુર સોસાયટીમાં રહેતા 74 વર્ષીય દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલે માંડવીના ખંજરોલીમાં આવેલી તેમની માલિકીની જલારામ સ્ટોન ક્વોરીની ખાણમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.
દુર્લભ પટેલ આત્મહત્યા કેસ: PI બોડાણા સહિત 3 પોલીસકર્મીને 8 દિવસના અને એકને 3 દિવસના રિમાન્ડ - સુરત PI બોડાણા
દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં પોલીસે સોમવારે પકડેલા વધુ ચાર આરોપીઓ પૈકી રાંદેર પોલીસ સ્ટેશનના PI લક્ષ્મણસિંહ બોડાણા, કિરણસિંહ પરમાર અને અજય ભોપાળાના 6ઠ્ઠી ઓક્ટોબર સુધી એટલે કે આઠ દિવસના જ્યારે મુકેશ કુલકર્ણીના 1 ઓક્ટોબર એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ માંડવી કોર્ટે મંજૂર કર્યા હતા.
આ ઘટનાના પગલે તેમના પુત્ર ધર્મેશે રાંદેર PI લક્ષ્મણસિંહ બોડાણા, રાજુ લાખા ભરવાડ, હેતલ દેસાઈ, ભાવેશ સવાણી, કનૈયાલાલ નારોલા, કિશોર કોસીયા, વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, અજય ભોપાળા, કિરણસિંહ રાઇટર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર પ્રકરણની તપાસ માટે જિલ્લા પોલીસ દ્વારા બારડોલી DYSP ની આગેવાનીમાં SIT (સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. જે અંતર્ગત લાંબા સમયની તપાસ બાદ પોલીસે સૌપ્રથમ રાજુ ભરવાડ અને ભાવેશ સવાણીની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસકર્મી વિજય શિંદેની પણ પોલીસે અટકાયત કરી હતી.
આ ત્રણેયની ધરપકડ કર્યા બાદ SIT દ્વારા રવિવારે આરોપી PI લક્ષ્મણસિંહ પ્રતાપસિંહ બોડાણા, રાઇટર ASI કિરણસિંહ બાબરસિંહ પરમાર પોલીસ કોન્સ્ટેબલ અજય રમેશ ભોપાળા અને મુકેશ પદ્માકર કુલકર્ણી ની ધરપકડ કરી હતી. ચારેયની ધરપકડના 24 કલાક પુરા થતા સોમવારના રોજ તેમને માંડવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટે આરોપી મુકેશ પદ્માકર કુલકર્ણીને 1 ઓક્ટોબર 2020 સુધીના જ્યારે લક્ષ્મણસિંહ બોડાણા, કિરણસિંહ પરમાર અને અજય ભોપાલના 6 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પોલીસ અને સરકારી વકીલે 20 મુદ્દાઓને લઈ રિમાન્ડની માગ કરી હતી.