સુરત : દિનપ્રતિદિન યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થનું વેચાણ અટકાવવા માટે પોલીસ સતત રેડ કરતી હોય છે. સુરત શહેર પોલીસે મંગળવારના રોજ ડુમસ રોડ પરથી એક કરોડથી વધુના કિમતના MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.આ યુવકને ડ્રગ્સ સાથે ઝડપી પાડતા મોટો ખુલાસો થયો છે. પકડાયેલા યુવકે ડુપ્લિકેટ MD(મેફેડ્રોન ડ્રગ્સ) કડોદરા વિસ્તારમાં બનતું હોવાની કબૂલાત કરી હતી.
જેથી સુરત PCB અને કડોદરા પોલીસે એક કારખાનામાંથી ડુપ્લિકેટ ડ્રગ્સનું મટિરિયલ્સ કબ્જે કર્યું હતું. આ જંગી જથ્થા સાથે પકડાયેલા યુવકની પૂછપરછ દરમિયાન પોલીસને શહેરમાં ડ્રગ્સનું મોટું નેટવર્ક હોવાની વિગતો મળી હતી. યુવકની પૂછપરછ દરમિયાન ડુપ્લિકેટ ડ્રગ્સ કડોદરા વિસ્તારમાં તૈયાર થતું હોવાની જાણકારી મળી હતી. કરોડો રૂપિયાની કિમતનું ડુપ્લિકેટડ્રગ્સ કડોદરામાં બનતું હોવાની વાતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.