- સુરતના રત્નકલાકાર પીયૂષ નારણભાઈ માંગુકિયાનું બ્રેનડેડ ડેથ
- પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો
- હૃદય, ફેફસાં, કિડની, લિવર, પેન્ક્રીઆસ અને ચક્ષુઓનું દાન કર્યું
સુરતઃ રામકૃષ્ણ એક્ષ્પોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ કરતો પીયુષ કામ પરથી છુટ્યા બાદ અમરોલી ચારભુજા આર્કેડ એન્ડ રેસીડેન્સીમાં રહેતા સસરાને ત્યાં બીમાર પત્નીને મળવા ગયો હતો. ત્યાંથી રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અમરોલી સાયણ રોડ પર સાયણ ચેકપોસ્ટ પાસે આવેલા સદગુરુ પેટ્રોલપંપ પાસે મોટરસાયકલ સ્લીપ થઇ જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો પરંતુ બુધવાર તા.28 ઓકટોબરના રોજ ડોકટરોની ટીમે પરિવાર અને ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાળાને પીયુષના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.
- પરિવારનો સહકાર
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પીયૂષના પરિવારને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. સૌ પરિવારજનોએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાન અંગેના સમાચારો વાંચતા હતાં. આથી જયારે અમારું સ્વજન બ્રેનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેનું શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.
- સુરતમાંથી થાય છે સૌથી વધુ અંગદાન
8 વ્યક્તિઓને મળશે નવજીવનઃ બ્રેનડેડ રત્નકલાકારના હૃદય, ફેફસાં, કિડની, લિવર, પેન્ક્રીઆસ અને ચક્ષુઓનું દાન - ડોનેટ લાઈફ
બ્રેનડેડ પીયુષ રત્નકલાકાર નારણભાઈ માંગુકિયાના હૃદય, ફેફસાં, કિડની, લિવર, પેન્ક્રીઆસ અને ચક્ષુઓનું પરિવારે દાન કરી આઠ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું હતું. પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરતથી અમદાવાદનું 272 કિ.મીનું અંતર 130 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બોરસદ ના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
130 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બોરસદ (આણંદ)ના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા એક સાથે સૌથી વધુ અંગોનું દાન કરાવવામાં આવ્યું છે. આ સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ઓગણત્રીસમાં હ્રદય અને ફેફસાંનાં દાનની ચોથી ઘટના હતી. સુરતથી મુંબઈનું 296 કિ.મીનું અંતર 110 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ દહાણુંના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં કરવામાં આવ્યું, જયારે કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવશે.
- અંગદાનમાં સુરત રાજ્યમાં પ્રથમ
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 371 કિડની, 151 લીવર, 8 પેન્ક્રીઆસ, 29 હૃદય, 8 ફેફસાં અને 274 ચક્ષુઓ કુલ 841 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 774 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે. કોવિડ19 ની મહામારી દરમિયાન આખા દેશમાં અંગદાનની પ્રવૃત્તિમાં ખૂબ જ ઘટાડો થયો છે, ત્યારે સુરતથી ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમિયાન 3 હૃદય, 4 ફેફસા, 12 કિડની, 6 લિવર, 1 પેન્ક્રીયાસ અને 10 ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું છે.