સુરત: શહેરમાં ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનને લઈ ચાલી રહેલા ઉહાપોહ દરમિયાન સુરતમાં રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ તબીબો પર ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનના દુરુપયોગ કર્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો, જેને પગલે તબીબોમાં રોષની લાગણી દેખાઈ રહી છે. ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ગુજરાતના પ્રમુખ ડોક્ટર ચંદ્ર જરદોશે જણાવ્યું હતું કે ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનની સંપૂર્ણ વિતરણની વ્યવસ્થા સરકાર પાસે છે, અમે સ્પષ્ટ માગણી કરીએ છીએ કે આરોગ્ય સચિવ પુરવાર કરે અને ના કરી શકે તો તેમનું નિવેદન અંગે સ્પષ્ટતા કરે અથવા તો ડોક્ટરો સામે માફી માંગે. આવા કપરા સમયમાં ડોક્ટરો સેવા આપી રહ્યા છે અને કોરોના પોઝિટિવ થયા છે, તો કેટલાક ડોક્ટરોએ જીવ પણ ગુમાવ્યા છે. આવી પરિસ્થિતિમાં ડોક્ટરો પર આરોપ મૂકવોએ તદ્દન ખોટો છે. જો જયંતિ રવિ દ્વારા સ્પષ્ટતા કરવામાં ન આવે અથવા માફી માંગવામાં નહીં આવશે તો રાજ્યના 30 હજારથી વધુ ડોકટરો આ અંગે પ્રતિક્રિયા આપશે.
સુરત આઇઆઇએમએ દ્વારા પણ આરોગ્ય સચિવના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે. આરોગ્ય સચિવ જયંતિ રવિના નિવેદન અંગે મેડીકોલીગલ એક્સપર્ટ ડોક્ટર વિનેશ શાહે જણાવ્યું કે, ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન બાબતે ગેરરીતિ થઈ હોય તો તપાસ થવી જોઇએ. તપાસ કર્યા વગર એક આખા તબીબો વર્ગને જવાબદાર ઠેરવવાથી ડોક્ટર તથા પ્રજામાં વેમનસયની લાગણી ફેલાઈ છે, જેથી ડોક્ટરો પર હુમલાના પ્રયાસ વધુ થશે, આરોગ્ય સચિવના નિવેદન બાબતે ખુલાસો થવો જોઈએ નહિતર ડોક્ટર અને સમાજ વચ્ચે વેમનસ્ય વધશે જેને IPC 153 (એ) અન્વયે ગુનો કેમ ન ગણી શકાય?