ગુજરાત

gujarat

ETV Bharat / city

શું તમે પ્લાસ્ટિક ફ્રી નેચરલ સેનિટરી પેડ વિશે જાણો છો.. વાંચો Etv Bharatનો ખાસ અહેવાલ - નેચરલ સેનિટરી પેડ

સુરત: મેક ઈન ઈન્ડિયા અને સ્વચ્છ ભારત મિશન દ્વારા પ્રેરિત થઈ સુરતના હીરા ઉદ્યોગપતિ ચિરાગ અને તેમની પત્ની હેતલ વિરાણીએ કેળ અને વાંસના ફાઇબર તેમજ કોર્ન સ્ટાર્ચના મિશ્રણનો ઉપયોગ કરી સેનિટરી પેડ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. વૈશ્વિક પ્લાસ્ટિકની સમસ્યા જોઈ તેઓએ પ્લાસ્ટિક ફ્રી ઇકો ફ્રેન્ડલી નેચરલ સેનિટરી પેડ બનાવ્યા છે. જેનાથી મહિલાઓને પ્લાસ્ટિકના સેનિટરી પેડથી થતી અનેક મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. યુએસના સેન ફ્રાન્સિસકો શહેરમાં યોજાયેલી વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટઅપ સ્પર્ધામાંથી એક ટેક ક્રંચ-2019માં હેલ્થ કેટેગરીમાં પ્રથમ 5 સ્ટાર્ટઅપમાં સ્થાન મળ્યું હતું.

bg
bg

By

Published : Jan 18, 2020, 9:37 PM IST

સુરતના ચિરાગ વિરાણી ગુજરાતના મોટા હીરા ઉદ્યોગપતિ છે. તેમની પારખુ નજર હંમેશા નેચરલ ડાયમન્ડ પર રહી પરંતુ તેઓએ હાલ નેચરલ સેનિટરી પેડ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. દેશ વિદેશમાં નેચરલ ડાયમંડનો વ્યાપાર કરનાર સુરતના હીરા ઉદ્યોગપતિ હવે નેચરલ સેનિટરી પેડ બનાવી રહ્યા છે. જેની પાછળ કારણ છે કેમિકલ અને પ્લાસ્ટિકથી બનેલા સેનિટરી પેડથી મહિલાઓને તકલીફ પડતી હતી. સેનિટરી પેડમાં વપરાતા કેમિકલના કારણે પણ કેટલીક મહિલાઓ તેનો ઉપયોગ કરવાનું ટાળે છે. આ મુશ્કેલીઓ એમની પત્ની હેતલને પણ થઈ અને તે નેચરલ સેનિટરી પેડ શોધી રહી હતી ત્યારે તેને નેચરલ સિનિટરી પેડ બનાવવાનો વિચાર આવ્યો.

શું તમે પ્લાસ્ટિક ફ્રી નેચરલ સેનિટરી પેડ વિશે જાણો છો.. વાંચો અમારો ખાસ અહેવાલ

કેનેડાથી ભણતર પૂર્ણ કરી સુરત આવેલા હીરા ઉદ્યોગપતિ ચિરાગ અને હેતલે એક એવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. જેઓ બાયો-ડિગ્રેડેબલ પેડ એટલે કે, કોઇપણ કેમિકલ વગર ઓર્ગેનિક મટિરિયલથી પેડ્સ બનાવે છે. આ કપલે 2 વર્ષના રિસર્ચ પછી ઉપયોગમાં લઇ શકાય એવું સેનિટરી પેડ બનાવ્યું છે. સેનિટરી નેપકિનમાં વાંસ ફાઇબર, કેળ ફાઇબર અને કોર્ન સ્ટાર્ચના મિશ્રણનો ઉપયોગ કરનારી આ વિશ્વની પ્રથમ કંપની છે. આમ તો દરેક સેનિટરી પેડમાં 90 ટકા પ્લાસ્ટિક હોય છે. જેના કારણે મહિલાઓને અનેક સમસ્યા થતી હોય છે. પરંતુ આ નેચરલ સિનિટરી પેડ પ્લાસ્ટિક ફ્રી છે. વાંસના રેસા કુદરતી રીતે એન્ટિબેક્ટેરિયલ હોય છે, માસિક સ્રાવના પ્રવાહીને દૂર કરવા માટે કેળના ફાઇબર ખૂબ અસરકારક છે. મકાઈ-સ્ટાર્ચ બાયોપ્લાસ્ટિક કમ્પોસેબલ છે .જે મહિલાઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા નથી.

આ કપલના સ્ટાર્ટઅપને યુએસના સેન ફ્રાન્સિસકો શહેરમાં યોજાયેલી વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટઅપ સ્પર્ધામાંથી એક ટેક ક્રંચ-2019માં હેલ્થ કેટેગરીમાં પ્રથમ 5 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન મળ્યું હતું. આ સ્પર્ધામાં 150 દેશોના 600 જેટલા સ્ટાર્ટઅપ્સે ભાગ લીધો હતો.

ચિરાગે એન્જિનિયરિંગ અને એમ.બી.એની ડિગ્રી કેનેડાથી મેળવી છે. જ્યારે ચિરાગની પત્ની હેતલ વિરાણી CA છે અને કો- ફાઉન્ડર પણ છે. બન્નેનું કેળાનું ફાર્મ છે, જેમાં દર વર્ષે કેળની કાપણી પછી એના દાંડાને સળગાવવામાં આવતા હતા. જેના કારણે પોલ્યૂશન પણ થતું હતું. ત્યારે તેઓને વિચાર આવ્યો કે, જો તેનો ઉપયોગ કરી સેનિટરી પેડ બનાવવામાં આવે તો ખેડૂતને વધારાની આવક થશે અને પર્યાવરણને પણ નુકસાન નહીં થાય.

આ નેચરલ પેડ્સમાં પ્લાસ્ટિક અથવા અન્ય હાનિકારક રસાયણો સામેલ નથી. આ કચરાનો નાશ કરવો બહુ અઘરો છે. દંપતી દ્વારા બનાવવામાં આવેલું આ પેડ સંપૂર્ણપણે મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે. પહેલું સેનિટરી પેડ બનાવવા પાછળ દોઢ વર્ષનો સમય લાગ્યો હતો. અને આજે વિશ્વના અનેક દેશોમાં આ પેડ્સની ડિમાન્ડ વધી રહી છે કારણ કે આ પ્લાસ્ટિક ફ્રી સેનિટીરી પેડ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નિકાલના લગભગ 6 મહિનામાં તેનો નાશ કરી શકે છે. બજારમાં મળતાં કમર્શિયલ સેનિટરી નેપકીનમાં 90 ટકા પ્લાસ્ટિક હોય છે અને લગભગ 600 વર્ષથી બાયોડિગ્રેડ થતું નથી. ભારતમાં 6માંથી 1 મહિલા સેનિટરી પેડનો ઉપયોગ કરે છે, દર વર્ષે લગભગ 1,50,000 ટન પેડ કચરો ઉત્પન્ન થાય છે.

ABOUT THE AUTHOR

...view details