- રફ ડાયમંડની કિંમતમાં 10 ટકાનો કર્યો વધારો
- તમામ લક્ષણો હીરા ઉદ્યોગ માટે સારા
- યુરોપના દેશો અને ચીન, હોંગકોંગમાં સ્થિતિ સુધરતા તેજી જોવા મળી
સુરતઃ કોરોના છતાં છેલ્લા સવા વર્ષથી હીરા ઉદ્યોગમાં સારી તેજી જોવા મળી છે. યુરોપિયન દેશોમાં પોલિશડ ડાયમન્ડમાંથી બનતા ઝવેરાતની સારી માંગ નીકળી છે. દરમિયાન કોરોનાને પગલે ગયા વર્ષે ખાણ કંપનીઓએ રફનું ઉત્પાદન ઘટાડી દીધું હતું. જે હજુ ઓછું જ છે. આમ પોલિશડ ડાયમન્ડની વધતી માંગને પગલે બજારમાં રફની પણ માંગ છે. તેથી ખાણ કંપનીઓ હવે ઊંચા ભાવ વસૂલવા માંડી છે.
તમામ લક્ષણો હીરા ઉદ્યોગ માટે સારા
હીરાના વેપારી નિલેશ બોડકીએ જણાવ્યું હતું કે, આફ્રિકાના દેશો અને રશિયાની હીરાની ખાણમાં રફનું ઉત્પાદન 50 ટકા ઘટાડી દીધું છે. બીજી તરફ રફની અછતને લીધે સુરત અને મુંબઇના ડોમેસ્ટિક માર્કેટમાં રફની કિંમત પ્રીમિયમ પછી 15 ટકા વધી છે. તેની અસર એવી થઈ છે કે, પોલિશડ હિરાના ભાવમાં પણ 7 ટકા સુધીનો વધારો નોંધાયો છે. એન્ટઅર્પમાં પણ એક મહિના પછી હીરા બજાર શરૂ થયા છે. મોટાભાગે ઓનલાઇન વેપાર ચાલી રહ્યો છે. સુરતના વેપારીઓ પણ ટેન્ડર ભરી ઓનલાઇન માલ ખરીદે છે. રેપાપોર્ટમાં પણ પોલીસ ડાયમન્ડના ભાવમાં વધારો નોંધાયો છે. આ તમામ લક્ષણો હીરા ઉદ્યોગ માટે સારા છે.