- સુરતમાં કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિ આવી સામે
- ખાનગી હોસ્પિટલો પાસે વધુમાં વધુ એક દિવસ ચાલે એટલો જ ઓક્સિજન
- IMA દ્વારા સુરત કલેક્ટર અને મુખ્યપ્રધાનને જથ્થો વધારવા કરાઈ રજૂઆત
સુરત: શહેરમાં કોરોનાના ગંભીર દર્દીઓ વધી રહ્યા છે. તે સાથે જ ઓક્સિજનની જરૂરિયાત પણ વધી છે, પરંતુ સુરતની ખાનગી હોસ્પિટલોમાં માત્ર 10થી 12 કલાક ચાલે એટલો જ ઓક્સિજનનો પુરવઠો છે. જેના કારણે સોમવારે ઈન્ડીયન મેડિકલ એસોસિએશનની સુરત બ્રાન્ચ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને ઓક્સિજનની માગ કરવામાં આવી હતી. આ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે કે, જો આમ જ ઓક્સિજનની અછત રહેશે તો શહેરમાં લૉ એન્ડ ઓર્ડરની સ્થિતિ ખરાબ થઈ શકે છે.
મુખ્યપ્રધાનને પણ પત્ર લખ્યો છે: IMA પ્રમુખ
સુરતની અનેક એવી હોસ્પિટલ છે, જ્યાં સોમવારે સાંજ સુધી ચાલે એટલો જ ઓક્સિજનનો પુરવઠો છે. સુરત IMAના પ્રમુખ ડૉ. હિરલ શાહે ETV Bharatને જણાવ્યું હતું કે, અમે જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી છે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને ઓક્સિજનની માગ કરી છે. સુરતના ખાનગી હોસ્પિટલોમાં હવે માત્ર 12થી 24 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન છે. સરકાર ઓક્સિજન પૂર્તિ માટે કામગીરી કરે તે માટે કલેક્ટરને રજૂઆત કરાઇ છે. જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે તો દર્દીઓના જીવ જોખમમાં છે.
આ પણ વાંચો:સપ્લાય કરતી કંપનીએ 50 ટકા કાપ મૂક્તા મિશન હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ