- સુરતના ચિંતેશ કણિયાવાલાએ 119 દિવસની લાંબી સારવાર બાદ કોરોનાને આપી માત
- 90 ટકા ફેફસા ડેમેજ થઈ ગયા હોવા છતાં પણ ન હારી હિંમત
- પરિવારના સભ્યો વીડિયો કોલ કરી આપતા હતા પ્રોત્સાહન
સુરત: શહેરમાં એક વેપારીને કોરોના થયો અને તેમના ફેફસા 90 ટકા ડૅમેજ થઈ ગયા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં પણ 119 દિવસની લાંબી સારવાર મેળવ્યા બાદ ચિંતેશ કણિયાવાલાએ કોરોનાને માત આપી છે. કોરોનામાં આટલી લાંબી સારવાર લેવાની ગુજરાતમાં આ પ્રથમ ઘટના કહી શકાય. ચિંતેશ આટલા લાંબા દિવસની સારવાર મેળવ્યા બાદ જ્યારે એમ્બ્યુલન્સથી ફરી ઘરે આવ્યા ત્યારે પરિવારના તમામ સભ્યોએ તાળી વગાડીને તેમનું સ્વાગત કર્યું હતું.
સારવાર દરમિયાન તેમની હાલત કફોડી બનતી ગઈ
સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા 47 વર્ષીય ચિંતેશ કણિયાવાલાને જ્યારે કોરોના થયો ત્યારે તેઓએ વિચાર્યું કે દસ દિવસની સારવાર મેળવ્યા બાદ તેઓ ફરીથી ઘરે આવી જશે. પરંતુ સારવાર દરમિયાન તેમની હાલત કફોડી બનતી ગઈ અને તેની અસર સીધા તેમના ફેફસા પર ઉપર થતી ગઈ. તેમનું સ્વાસ્થ્ય દિવસેને દિવસે બગડતૂ ગયું. તેમને શ્વાસ લેવામાં પણ એટલી હદે મુશ્કેલીઓ થતી ગઈ કે તેમને 100 ટકા ઓક્સિજન ઉપર મુકવામાં આવ્યા હતા. તેઓ 20 દિવસ સુધી બેભાન હતા પરંતુ પરિવારના સહયોગ અને ડોક્ટરના મોટીવેશન અને દવાઓના કારણે આજે 119 દિવસથી સારવાર મેળવ્યા બાદ તેઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે આવી ગયા છે.
આ અંગે ચિંતેશે જણાવ્યું હતું કે, હોસ્પિટલ જતા પહેલા તેમને ખાતરી હતી કે તે સારવાર મેળવી પરત ઘરે આવી જશે. પરંતુ હોસ્પિટલમાં ગયા પછી શ્વાસ લેવાની તકલીફ શરૂ થઇ ગઇ હતી. એક વાર વિચાર આવ્યો કે તે જીવી શકશે કે નહીં, પરંતુ ડોક્ટરોના સહયોગના કારણે અને પરિવારના મોટીવેશનના કારણે તે આટલા દિવસ સુધી કોરોનાને માત આપી શક્યા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરિવારમાં ૩૦ જેટલા સભ્યો છે. તેઓ વીડિયો કોલ કરી તેમને મોટીવેશન આપતા રહ્યા હતા. એવું જ નહીં પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં આવી હાલચાલ પણ લેતા હતા. એ માટે પરિવારના સભ્યોએ પીપી કીટ પણ ખરીદી હતી અને તે પહેરીને મારી સામે આવતા હતા. તેમને જોઈને મને ખૂબ જ સારું લાગતું હતું. પરિવારના સભ્યો અને ડોકટરોની ટીમે સતત મારો મનોબળ વધાર્યો હતો. સારવાર દરમિયાન મારું 20 કિલો જેટલું વજન ઘટી ગયો હતો.. જ્યારે પરિવારના સભ્યો પીપીઇ પહેરીને મારી સામે રૂબરૂ આવતા હતા અને વાત કરતા હતા તો મને ખૂબ જ સારું લાગતું હતું.
50 દિવસ સુધી તેમને 100 ટકા ઓક્સિજન આપવો પડ્યો હતો
ચિંતેશની સારવાર કરનાર કિરણ હોસ્પિટલ, ચેસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટના ડો.હાર્દિપ મણિયારે જણાવ્યું હતું કે, 90 ટકાથી વધારે ફેફસા ડેમેજ થયા હતા. શ્વાસ લેવામાં તકલીફ હતી. 50 દિવસ સુધી તેમને 100 ટકા ઓક્સિજન આપવો પડ્યો હતો. 80માં દિવસે તેમને ઓક્સિજન પરથી હટાવી લેવામાં આવ્યા હતા. તેમના સ્વાસ્થ્ય પ્રમાણે દવાઓ આપવામાં આવી રહી હતી.દર્દી ઝડપથી સાજા થાય તે માટે પરિવારના સભ્યો તેમને મોટીવેટ કરતા રહે. હાલ પણ તેઓ મોનીટરીંગ હેઠળ છે અને તેમની દવાઓ ચાલી રહી છે.