સુરતમાં એક પછી એક સતત વધી રહેલા મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે જે ગેંગને ઝડપી પાડી છે, તેનો ખુલાસાએ પોલીસને પણ અચંબામાં નાખી દીધી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવેલા સાત આરોપીઓ પાસેથી 131 મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે. જેને તેઓએ માત્ર 90 દિવસમાં સ્નેચિંગ કરી મેળવ્યા હતા. એટલે એક દિવસમાં આશરે 2 મોબાઇલ સ્નેચિંગની ઘટનાને તેઓ અંજામ આપતા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ સ્નેચિંગ અને ઓટો રીક્ષામાં પેસેન્જરોના ખિસ્સામાંથી ચોરીના મોબાઈલ ખરીદ વેચાણના ગુના કરતી ટોળકીના નેટવર્કનો પર્દાફાશ થયો છે.
સુરત ખાતે મોબાઈલ સ્નેચિંગનું નેટવર્ક ચલાવનાર સૂત્રધારનુ નામ જુનેદ ઉર્ફે ખારેક અસલમ કાપડિયા છે. જૂનેદે પોલીસને જણાવ્યું છે કે, તે કાપડના વેપાર સાથે સંકળાયેલો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ જ્યારે જુનેદના ઘરે પહોંચી તો ચોંકી ઉઠી હતી. કારણ કે, તેના ઘરેથી મોબાઇલ ઉપરાંત 13 લાખ રૂપિયા નગદ અને રૂપિયા ગણવાનુ મશીન પણ મળી આવ્યુ છે. જુનેદ અગાઉ મોબાઈલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. મોબાઈલ લૂંટની ઘટના સમગ્ર શહેરમાં કરવા માટે તેને પોતાની ગેંગ પણ ઊભી કરી હતી. આ ગેંગમાં તેણે 10થી 15 યુવાનોને સામેલ કર્યા હતા. અન્ય આરોપીઓ દિવસ અને રાત દરમિયાન મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપતા અને જે પણ મોબાઈલ મળતા તે જુનેદને આપતા હતા. જુનેદ આ મોબાઇલને વોટ્સએપ કોલથી બોટાદમાં રહેતા મમુ નામના ઈસમને વેચતો હતો.