સુરતઃ શહેરના ડુમસ વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક કરોડથી વધુના MD ડ્રગ્સ સાથે સલમાન ઉર્ફે અમન હનીફ ઝવેરીની ધરપકડ કરી હતી. જે ડ્રગ્સ નો જથ્થો પૂણા ગામમાં આવેલા સાયોના કોમ્પ્લેક્સના સંકેત અસલાલીયા નામના આરોપી પાસેથી ખરીદી કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે છાપો મારી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યાં તેની પાસેથી લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સુરત ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી સંકેત અસલાલીયાએ સલમાન ઉર્ફે અમનને ડ્રગ્સનો આ જથ્થો વેચાણથી આપ્યો હતો. આ ડ્રગ્સ સંકેત ક્યાંથી લાવ્યો હતો તે અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી દ્વારા ચલાવવામાં આવી હતી. જ્યાં આરોપી સંકેત અસલાલીયા પોતાના નજીકના મિત્ર અને બી ફાર્માનો અભ્યાસ કરી ચૂકેલા એન્જીનીયર પ્રગણેશ ઠુમ્મરની મદદથી કડોદરા ખાતે આવેલા એક મકાનની ફેક્ટરીમાં ડ્રગ્સનો આ જથ્થો બનાવતો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.
પોલીસ ફેક્ટરી પરથી છાપો મારી MD ડ્રગ્સ બનાવવા ઉપયોગમાં લેવાતા કેમિકલ યુક્ત રૉ-મટીરીયલ પણ જપ્ત કર્યું હતું. જ્યારે આરોપી પ્રગણેશ ઠુમ્મરની પણ ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં ડુમસ વિસ્તારમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી સલમાનને આ ડ્રગ્સનો જથ્થો અપાવવામાં વાપીના મનોજ કુમાર શીતલપ્રસાદ ભગતની પણ ભૂમિકા બહાર આવી હતી. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાપી ખાતેથી મનોજ શીતલપ્રસાદ નામના આરોપીની ધરપકડ કરી છે.