- કોરોનાના પહેલા ફેઝમાં દરરોજ 60 જેટલા મૃતદેહો આવતા હતાં
- હાલની પરિસ્થિતીમાં દરરોજ 80 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર થાય છે
- અંતિમ ક્રિયા માટે ટોકન પદ્ધતિ અપનાવવામાં આવી
સુરત:સુુરતમાં કોરોનાએ કહેર મચાવ્યો છે સાથે જ કોરોનાને કારણે થઈ રહેલા મૃત્યુના આંકડા પણ વધતા જાય છે, ત્યારે સ્મશાનભૂમિમાં ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. દરમિયાન રામનાથઘેલા સ્મશાન ભૂમિમાં હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. સામાન્ય દિવસોમાં રામનાથ ઘેલા સ્મશાનભૂમિમાં રોજ 20 જેટલા મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતા હતા, પરંતુ કોરોના કાળમાં કોરોના પોઝિટિવ, શંકાસ્પદ અને કોરોના નેગેટિવ સહિત અન્ય મૃતદેહોની સંખ્યા 80થી વધુ પહોંચી ગઇ છે. અહીં રોજ 80થી વધુ મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે.
આ અંગે ટ્રસ્ટી હરીશ ઉમરીગરે જણાવ્યું હતું કે, અહીં અંતિમ સંસ્કાર માટે ચાર ગેસની ભટ્ટી અને સાત લાકડાની ભટ્ટી છે. ગેસની ભટ્ટીમાં કોરોના સંબંધિત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. રોજ 80થી વધુ મૃતદેહો આવતા આજે શુક્રવારે મનપા કમિશનરે ટીમ મોકલી હતી. અહીં બે કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે, જે આંકડા ઉપર ધ્યાન રાખશે આ સાથે વધુ સાત લાકડાની ભટ્ટીઓ શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવી છે.
આ પણ વાંચો:સુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે પણ લેવું પડે છે ટોકન..!!
પહેલા ફેઝમાં રોજ 60 જેટલા મૃતદેહ સ્મશાનભૂમિમાં આવતા હતાં
પહેલા ફેઝ દરમ્યાન રોજ 60 જેટલા મૃતદેહ સ્મશાનભૂમિમાં આવી રહ્યા હતા પરંતુ આ વખતે આંકડો 80 ઉપર જઈ રહ્યો છે. ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. માત્ર રામનાથઘેલા સ્મશાનભૂમિમાં 40થી વધુ વેઇટિંગ ચાલી રહ્યું છે. એક મૃતદેહના અંતિમ સંસ્કાર માટે પોણા બે કલાક લાગતા હોય છે. જેના કારણે આ પ્રક્રિયામાં સમય લાગે છે. મૃતકના પરિવારજનોને વધુ હાલાકી ન થાય તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.