- રેમડેસીવીર મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું
- મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીનો લુલો બચાવ
- પાટીલે દેશના અલગ-અલગ રાજ્યમાંથી ઇન્જેક્શન ખરીદ્યાઃ હર્ષ સંઘવી
સુરત : ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જાહેરાત કરાઈ હતી કે, ભાજપ કાર્યાલય પર લોકોને નિઃશુલ્ક રેમડીસીવીર ઇન્જેક્શન મળી રહેશે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. પાટીલ પાસે આટલી મોટી સંખ્યામાં ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો એ મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ મુદ્દે સુરત શહેરના મજુરા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સી.આર. પાટીલે બિહાર, ઉત્તર પ્રદેશ અને આસામમાં સંપર્ક કરી ત્યાંથી 5000 ઇન્જેક્શનનો જથ્થો ખરીદ્યો છે. સુરતમાં લોકો ઇન્જેક્શન મેળવવા માટે સમગ્ર શહેરમાં ફરી રહ્યા છે. ત્યારે મહાનગરમાં સી.આર.પાટીલ દ્વારા દેશભરમાંથી આસામ, બિહાર અને અન્ય જગ્યાએથી જે કંઈ પણ ઇન્જેક્શનનો જથ્થો મેળવી સુરતમાં ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મને પણ જાણકારી નથી કે, ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો.
- ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર ઇન્જેક્શન કેવી રીતે મળી શકે?
એક તરફ સુરતમાં લોકો ઇન્જેક્શન મેળવવા સવારથી અલગ-અલગ હોસ્પિટલ બહાર લાઈનો લગાવીને ઉભા છે. લોકોને ઇન્જેક્શન મળી રહ્યા નથી. ત્યારે ભાજપના સી.આર.પાટીલને ઇન્જેક્શન કેવી રીતે મળ્યા તે પણ એક મોટો સવાલ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નિયમ મુજબ આ ઇન્જેક્શન ક્યારેય પણ ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર અને લોકોના આધારકાર્ડ વગર આપી શકાતા નથી.
આ પણ વાંચોઃ લાઇસન્સ વિના રેમડેસીવીર રાખવા એ દવાઓનું બ્લેક માર્કેટિંગ, ગુનો નોંધાવો જોઈએ : કોંગ્રેસ ધારાસભ્ય
- સી.આર. પાટીલ પાસે ઇન્જેક્શન કેવી રીતે પહોંચ્યાં?
ઉલ્લેખનીય છે કે, રાજકીય નેતા પાસે આટલી મોટી સંખ્યામાં ઇન્જેક્શન કેવી રીતે પહોંચ્યાં? આ મામલે જાણે ગુજરાતના તંત્રમાં કોઇ ખામી હોય તેવું જણાઈ રહ્યું છે. જો સી.આર.પાટીલને સરળતાથી ગણતરીના કલાકોમાં 5000 ઇન્જેક્શન મળી શકતા હોય તો હૉસ્પિટલોને કેમ નહીં? લોકોને શા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે તે એક મોટો સવાલ છે.