- મ.ન.પા.ની ચૂંટણી વખતે ધાર્મિક અને અલ્પેશ નારાજ હતા
- આમ આદમી પાર્ટીએ જે વાયદાઓ આપ્યા હતા તે પૂરા કરે : હાર્દિક
- જોડાવા માટે કોઈ ઓફર ન હોય, ઓફર તો નરેન્દ્રભાઈ આપે છે : હાર્દિક
સુરત : એટ્રોસીટી અને મારામારીના ગુનામાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે. જેને લઈને અલ્પેશ આજે ગુરૂવારે જેલની બહાર આવ્યો હતો. જેલની બહાર તેનું સ્વાગત કરવા માટે હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અલ્પેશ જેલની બહાર આવતા જ તેને ખભે ઉચકી લેવાયો હતો અને જય હિન્દ અને જય સરદારના નારા લાગ્યા હતા. તો બીજી તરફ હાર્દિક પટેલે અલ્પેશને કોંગેસમાં લાવવા માટે શું ઓફર કરાશે, તેના જવાબમાં જણાવ્યું હતું કે એમાં ઓફર ન હોય, ઓફર નરેન્દ્રભાઈ કરે છે.
શા માટે અલ્પેશ કથીરિયા હતો જેલમાં ?
સુરતના વેલંજા ગામમાં ચૂંટણી સમયે પાસ અને BTPના કાર્યકરો વચ્ચે બબાલ થઇ હતી. જેમાં BTPની કારને નુક્સાન પણ પહોચાડવામાં આવ્યું હતું. આ સાથે 5 જેટલા કાર્યકરોને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે અલ્પેશ કથીરિયા સહિતના પાસના આગેવાનો સામે એટ્રોસિટી સહિત ઘાડ અને માર મારવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે 4 મહિના સુધી જેલવાસ ભોગવ્યા બાદ અલ્પેશ કથીરિયાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે.
પોલીસની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
જામીન મળતા જ હવે અલ્પેશ જેલમુક્ત થયો છે. લાજપોર જેલ બહાર અલ્પેશનું સ્વાગત કરવા માટે હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા અને મોટી સંખ્યામાં પાસ સમિતિના કાર્યકરો હાજર રહ્યા હતા. અલ્પેશ કથીરિયા જેલની બહાર આવતા જ તેને ખભા પર ઉચકી લેવામાં આવ્યો હતો. આ સાથે જ તેના પર પુષ્પની વર્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ત્યાં જય સરદાર અને જય હિન્દના નારા પણ લાગ્યા હતા, પરંતુ ત્યાં પોલીસની હાજરીમાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા અને પોલીસ તમાશો જોતી રહી હતી.