- સુરતમાં પાસ અને કોંગ્રેસ વચ્ચે જંગ
- કોંગ્રેસની નારાજ થયો પાસ સમાજ
- પાસના ઉમેદવારોનો ફોર્મ પરત ખેંચવાનો સિલસિલો યથાવત
સુરત: વોર્ડ નંબર 3માં પાસના કન્વીનર ધાર્મિકને કોંગ્રેસ દ્વારા ઉમેદવારી આપવામાં આવી હતી, પરંતુ વાયદા મુજબ પાસના કહેવાથી અનેક લોકોને ઉમેદવારી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી નહોતી. જેના કારણે પાસ નેતા ધાર્મિક માલવિયાએ ફોર્મ ભર્યું નહોતું અને પાસની બેઠક બાદ નિર્ણય લેવાયો હતો કે પાટીદાર સમાજથી આવનારા કોંગ્રેસના ઉમેદવારો સમાજ માટે ફોર્મ પરત ખેંચેશે. આ સાથે ધાર્મિકે જણાવ્યું હતું કે, તેમના સમર્થનમાં દસથી બાર જેટલા ઉમેદવારો છે.
હોળીના નાળિયેરની જેમ ઉપયોગ કરવામાં આવ્યો
કોંગ્રેસમાં અગાઉ કોર્પોરેટર રહી ચૂકેલા અને ફરીથી રિપીટ થયેલા જ્યોતિ સોજીત્રાએ ફોર્મ પરત ખેંચ્યું છે, પરંતુ SUDA ભવન ખાતે ફોર્મ પરત ખેંચવા માટે આવેલા જ્યોતિ સોજીત્રા ખૂબ જ ભાવુક જોવા મળ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, હું મારા પરિવાર અને સમાજ સાથે પક્ષ દ્વારા કરવામાં આવેલા અન્યાયને કારણે ઉમેદવારીપત્રક પાછું ખેંચું છું. અમારા વોર્ડની પેનલમાં બહારથી જ ઉડીને આવેલા ઉમેદવારને તક આપી અમને જાણે હોળીના નાળિયેરની જેમ ઉપયોગ કરવામાં આવ્યો છે.
વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું 10 લોકોએ ઉમેદવારી પાછી ખેંચી નથી
આ અંગે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, અમે પાસની બેઠક બાદ અમારા સમાજના ઉમેદવારોને અપીલ કરી હતી કે તે સ્વૈચ્છિક રીતે ઉમેદવારીપત્રક પાછા ખેંચી લે. આજે મંગળવારે વોર્ડ નંબર 3માંથી જ્યોતિ સોજીત્રા અને કાનજી અલગોતર દ્વારા ફોર્મ ફોર્મ પાછા ખેંચવામાં આવ્યાં છે. આવનારા દિવસોમાં સમાજના આગેવાન અને વડીલોની સલાહ લીધા પછી જ વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે. પાસમાં દરેક પક્ષના વિચારધારા સાથે સંકળાયેલા લોકો છે. આમ છતાં જે લોકોએ સમાજની અવગણના કરી છે, તેમને જવાબ આપવામાં આવશે. પાસ સમાજ માટે કામ કરનારી સંસ્થા છે. જેમણે ગંદી રાજનીતિ કરી છે, તેમને જવાબ આપવો ખૂબ જ જરૂરી છે. 10 લોકોએ ઉમેદવારી પાછી નથી ખેંચી તેઓ રાજકારણના પટાંગણમાં આવવા માંગે છે.
કોંગ્રેસના નેતાઓ ભૂલો સ્વીકારવાની વાત કરી રહ્યા છે
આ અંગે તેમણે જણાવ્યું હતું કે, તેમને મનાવવા માટે પણ અમને કોલ આવ્યા હતા. જેમાં પરેશ ધાનાણી, અમિત ચાવડા અને હાર્દિક પટેલ સાથે પણ વાત થઈ છે. આ તમામ લોકો ભૂલો સ્વીકારવાની વાત કરી રહ્યા છે. આ સાથે જ આવનારા દિવસોમાં આ તમામ બાબતો અંગે ધ્યાન રાખવા કહી રહ્યાં છે.