સુરત શહેર પોલીસ ટ્રાફિક શાખા અને શ્રી જીનાજ્ઞા સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી પેઢીમાં ટ્રાફિક અંગે જાગૃતતા લાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શાળાઓમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ટ્રાફિક અવેરનેસને લઇ ચિત્ર બનાવશે. સંદેશ આપનારા શ્રેષ્ઠ ચિત્ર બનાવનાર વિદ્યાર્થીને પુરસ્કાર પણ આપવામાં આવશે. જ્યારે બીજી બાજુ શહેરના યુવાનોમાં પણ ટ્રાફિક અવેરનેસ અંગેની જાગૃતતા લાવવા માટે એક પ્લેટફોર્મ આપવામાં આવશે.
સુરતીઓમાં ટ્રાફિક અંગે જાગૃતતા લાવવા શોર્ટ ફિલ્મ કોમ્પિટીશનનું આયોજન - ટ્રાફિક અંગે જાગૃતતા લાવવા માટે અભિયાન
સુરત: નવા ટ્રાફિક નિયમનો કાયદો આવ્યા બાદ ગુજરાતમાં સૌથી વધુ દંડ ભરવામાં સુરત મોખરે છે. રોજ લાખો રૂપિયાનો દંડ ભરનારા સુરતીઓમાં ટ્રાફિક અંગે જાગૃતતા લાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ અને શ્રી જીનાજ્ઞા સેવા ટ્રસ્ટ દ્વારા એક ખાસ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રેષ્ઠ ટ્રાફિક અવેરનેસને લઇ ડોક્યુમેન્ટરી અને ચિત્ર બનાવનાર વિદ્યાર્થીઓ અને યુવાનોને પુરસ્કૃત કરવામાં આવશે.
યુવા વર્ગ માટે ડોક્યુમેન્ટરી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લઇ એકથી દોઢ મિનિટ સુધીની ડોક્યુમેન્ટ્રીમાં યુવાનો ટ્રાફિક અવેરનેસથી લોકોમાં જાગૃતતા લાવશે. ઉપરાંત જે વિદ્યાર્થીની ડોક્યુમેન્ટરી શ્રેષ્ઠ રહેશે તેને 21 હજારનું ઇનામ આપવામાં આવશે. લોકોમાં જાગૃતતા લાવવાના હેતુસર આ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરની વસતી વધવાની સાથે શહેરનો થયેલા વિકાસ અને ઔદ્યોગિક વિકાસના કારણે ટ્રાફિકમાં વધારો થયો છે. ટ્રાફિકની સમજણ આપવા માટે અનેક જાગૃતિ કાર્યક્રમ થયા છે, પરંતુ પ્રથમ વખત ડોક્યુમેન્ટરી થકી લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા લાવવા માટે કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવશે.