- સુરતના આયુર્વેદિક અને હોમિયોપેથીક ડૉક્ટર્સનો દાવો
- મ્યુકોરમાઈકોસીસના દર્દીને એલોપેથી વગર સાજા કર્યા
- મહિલા દર્દીને મ્યુકોરમાઈકોસીસની સાથે લકવો પણ થયો હતો
સુરત : કોરોના વાયરસની સારવારને લઈ દેશભરમાં એલોપેથી અને આયુર્વેદિક પદ્ધતિને લઈને વિવાદ ચર્ચા ચાલી રહી છે. ત્યારે સુરતમાં મ્યુકોરમાઇકોસીસથી પીડિત 63 વર્ષીય કુંવરબેને હોમીયોપેથી અને આયુર્વેદિક દવાથી આ રોગને મ્હાત આપી હોવાનો દાવો ડૉક્ટર્સ દ્વારા કરવામાં આવ્યો છે. તેમનો ઉપચાર કોઈ હોસ્પિટલમાં નહીં, પરંતુ કોરોના આઇસોલેશન સેન્ટરમાં સર્જરી તેમજ કોઈપણ પ્રકારના ઇન્જેકશનનો કોર્સ કર્યા વગર આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાથી કરાયો હોવાનો દાવો ડોક્ટર્સ કરી રહ્યા છે.
સુરતમાં મ્યુકોરમાઈકોસીસના દર્દીને આયુર્વેદ અને હોમિયોપેથીની દવાથી સ્વસ્થ કરાયા હોવાનો દાવો મ્યુકોરમાઇકોસીસના કારણે પેરાલીસીસ અટેક પણ આવ્યો હતો
કુંવર બેનના ભત્રીજા પિયુષ મોવલિયાએ જણાવ્યું હતું કે, તેઓ કોરોનાથી સાજા થયા બાદ રિપોર્ટમાં મ્યુકોરમાઇકોસીસ આવ્યો હતો. પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, 15 લાખથી વધુ ખર્ચ આવશે અને ઉંમરને કારણે બચવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ત્યારબાદ તેમને આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આયુર્વેદિક અને હોમિયોપેથીના ડોક્ટરો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. પિયુષભાઈના જણાવ્યા પ્રમાણે, મારા મોટી મમ્મીને મ્યુકોરમાઇકોસીસના કારણે પેરાલીસીસ એટેક પણ આવ્યો હતો. જોકે, આયુર્વેદિક અને હોમીઓપેથીક દવાના કારણે કોઈ સર્જરી અને ઇન્જેક્શનની જરૂરિયાત પડી નહોતી અને તેઓ સાજા થઇ ગયા હતા. હાલ તેમના શરીરના અંગો પણ કામ કરી રહ્યા છે.
સર્જરી કે ઇન્જેક્શન કોર્સ કરવામાં આવ્યો નહોતો
કુંવરબેન આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓથી સાજા થયા હોવાનો દાવો ડોક્ટરો અને પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. સૌથી અગત્યની વાત એ છે કે, તેમને કોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નહોતા અને તેમની સર્જરી કે ઇન્જેક્શન કોર્સ કરવામાં આવ્યો નહોતો. તેમને કોવિંડના આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમની સારવાર ચાલી હતી.
સુરતમાં મ્યુકોરમાઈકોસીસના દર્દીને આયુર્વેદ અને હોમિયોપેથીની દવાથી સ્વસ્થ કરાયા હોવાનો દાવો જરૂર પડે એલોપેથીની પણ લેવાય છે મદદ
કાપોદ્રામાં સાગર આઇસોલેશન સેન્ટર ચલાવનારા મિલન ચૌહાણે જણાવ્યું હતું કે, તેમના આઇસોલેશન સેન્ટરમાં 3 થી 4 મ્યુકોરમાઇકોસીસના કેસ આવ્યા હતા. તમામને આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવાર આપવામાં આવી હતી. જરૂર લાગે તો જ એલોપેથીની સારવાર અપાઈ છે, પરંતુ કોઈની પણ સર્જરી કે ઇન્જેકશન આપવાની જરૂરિયાત પડી નહોતી અને તેઓ સાજા થઈ ગયા છે.
આયુર્વેદમાં આ રોગ અંગે કોઈ પણ ઉલ્લેખ નથી
કુંવરબેનનો આયુર્વેદિક ઉપચાર કરનાર ડોક્ટર રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે, તેઓ હાલ સુરતમાં 50થી વધુ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. જે લોકો મોંઘી સારવાર નથી કરાવી શકતા તેઓ આયુર્વેદ તરફ આવી રહ્યા છે. જોકે, આયુર્વેદમાં આ રોગ અંગે કોઈ પણ ઉલ્લેખ નથી. પરંતુ આ રોગના લક્ષણોનો ઉલ્લેખ જરૂરથી કરવામાં આવ્યો છે. આયુર્વેદમાં તેને કૃમિ ચિકિત્સા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં નાક વાટે દવા આપવામાં આવે છે. જેથી તે જ પ્રમાણે અમે સારવાર કરી રહ્યા છે. બે થી ત્રણ ઔષધીને નાકના માધ્યમથી કુંવરબેનના મસ્તીસ્ક સુધી નાક વાટે પહોંચાડવામાં આવી હતી.
હોમિયોપેથીક દવા દર કલાકે આપતા હોઈએ છે
હોમિયોપેથી ડોક્ટર સુરેશ સાવજે જણાવ્યું હતું કે, આયુર્વેદિક ઉપચારની સાથે સાથે હોમિયોપેથીક દવા પણ આપવામાં આવે છે. આ જ કારણ છે કે, દર્દી લકવાગ્રસ્ત હોવા છતાં 10 કલાકમાં જ જમવાનું માંગવા લાગ્યા હતા. અમે હોમિયોપેથીક દવા દર કલાકે આપતા હોઈએ છે. જે મોઢા થકી લેવાની હોય છે. હાલ હું શહેરના 12થી વધુ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સારવાર કરી રહ્યો છું અને તેની અસર પણ જોવા મળી રહી છે.
ETV Bharatની અપીલ, ડૉક્ટરની સલાહ વગર દવા લેવાનું કે ઉપચાર કરવાનું ટાળો
સુરતના ડૉક્ટર્સ દ્વારા આયુર્વેદ તેમજ હોમિયોપેથી દ્વારા મ્યુકોરમાઈકોસીસના દર્દીઓની સારવાર કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, ETV Bharat સૌ વાચકોને અપીલ કરી રહ્યું છે કે, મ્યુકોરમાઈકોસીસ હોય કે અન્ય કોઈપણ રોગ, ડૉક્ટર્સની સલાહ વગર કોઈપણ પ્રકારની દવા લેવી કે ઘરગથ્થુ ઉપચાર કરવો હિતાવહ નથી.