સુરત: શહેરના તાપીનદી ઉપર બનાવામાં આવેલા કોઝવે ઉપર આજે રવિવારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તાપી પૂજન કરી રાજ્યવ્યાપી નદી મહોત્સવમાં (Statewide River Festival) હાજરી આપી હતી, જેમાં કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોષ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ધારાસભ્યો, મેયર કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા તથા કાર્યક્રમ બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel Statement) સાથે તમામ પદાધિકારીઓએ સ્વછતા રાખવા વિશે પ્રતિજ્ઞા લીધી હતી. મુખ્યપ્રધાને શ્રમદાન કરી નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો સંદેશ આપ્યો હતો. ઉપસ્થિત સૌએ નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા હતા.
જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે: મુખ્યપ્રધાન
રાજ્ય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 'નદી ઉત્સવ' નદીઓના કિનારે વિસરાયેલી ભવ્ય સંસ્કૃતિને સજીવન કરવાનો આ પ્રયાસ છે. નદીઓ, પર્યાવરણ આપણી મહામૂલી સંપત્તિ છે. આપણી નદીઓ રાજ્યના અપ્રતિમ વિકાસની મૂક સાક્ષી છે. માનવજીવન સહિત અનેકવિધ સજીવો માટે નદીઓ શુદ્ધ મીઠા પાણીઓ એકમાત્ર સ્ત્રોત છે. આપણી આવનારી પેઢીઓ સાથે પર્યાવરણની સુરક્ષા માટે જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે.