- સુરતમાં ચણિયાચોળીના વેપારીઓએ માત્ર 50 ટકા જ સ્ટોક તૈયાર કર્યો
- સરકારે માત્ર શેરી ગરબાને મંજૂરીની જાહેરાત મોડી કરતા વેપારીઓ થયા નિરાશ
- દુકાનોમાં જોવા મળતી ભીડને બદલે હવે એકલદોકલ ગ્રાહકો જોવા મળી રહ્યા છે
- વેપારીઓએ ટ્રેડિશનલ અને ફ્યૂઝન ચણિયાચોળી એમ બંનેની કિંમતમાં વધારો કર્યો નથી
સુરત: આવતીકાલ (ગુરુવાર)થી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે, આ વખતે સરકારે માત્ર શેરી ગરબાને જ મંજૂરી આપી છે. સરકારે આ અંગે મોડી જાહેરાત કરતા વેપારીઓ અવઢવમાં મુકાયા હતા. ત્યારે આ વખતે સુરતમાં વેપારીઓએ 50 ટકા ઓછો સ્ટોક તૈયાર કર્યો છે. માત્ર શેરી ગરબાને મંજૂરી મળતા બજારમાં પણ ઘરાકી ઓછી જોવા મળી રહી છે, જેની સીધી અસર આ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો પર થઈ રહી છે.
આ પણ વાંચો-કોરોના ગાઇડલાઇન્સ સાથે રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં નવલા નોરતાની તૈયારીઓ શરૂ
બજારમાં આ વખતે દર વર્ષ જેટલી રોનક નથી દેખાતી
આવતીકાલ (7 ઓક્ટોબર)થી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે, દર વર્ષની જેમ આ વર્ષે રોનક એટલી જોવા નથી મળી રહી, જેનું સૌથી મોટું કારણ એ છે કે, કોરોનાને પગલે મોટા આયોજન કરવાની મંજૂરી સરકારે આપી નથી. એટલે કે સોસાયટી, એપાર્ટમેન્ટ કે મહોલ્લામાં જ નવરાત્રિના નાના આયોજનો થશે. આવા આયોજનો થવાના કારણે ખેલૈયાઓ સામાન્ય વર્ષો દરમિયાન ચણિયા-ચોળીમાં રોકાણ કરતા આવ્યા છે. તે ઓછું કરે તેવી શક્યતાઓ વર્તાય રહી છે, જેની અસર વેપારીઓની સાથે સાથે કારીગરો પર પણ જોવા મળી રહી છે.