- મૃતકોને દફનાવવા માટે 25 કબરો એડવાન્સમાં જ JCB મશીનથી ખોદવામાં આવી
- મજૂરો કબરો ખોદીને હવે કંટાળી ગયા, JCB મશીનનો સહારો લેવો પડ્યો
- મૃતદેહની અંતિમ ક્રિયા માટે મૃતદેહોની સંખ્યા વધી
સુરત: કોરોના વિસ્ફોટ વચ્ચે સ્મશાન ગૃહ અને કબ્રસ્તાનમાં રૂવાંટા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એક બાજુ સ્મશાન ભૂમિ પર અંતિમક્રિયા માટે કલાકો લાઈન લાગે છે ત્યારે બીજી બાજુ કબ્રસ્તાનમાં મૃતકોને દફનાવવા માટે 25 કબરો એડવાન્સમાં જ JCB મશીનથી ખોદવામાં આવી હતી. કબ્રસ્તાનમાં કબરો ખોદનારા મજૂરો કબરો ખોદીને હવે કંટાળી ગયા છે. જેના કારણે હવે JCB મશીનનો સહારો લેવો પડ્યો છે.
એડવાન્સમાં જ કબર ખોદવામાં આવી
સુરત ખાતે આવેલા કબ્રસ્તાનમાં હંમેશા કબરો ખોદવાનું કામ મજૂરો દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ હાલ કબ્રસ્તાનના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ આઘાતજનક છે. સુરતમાં કોરોના જે રીતે વધી રહ્યો છે તેના કારણે પણ મૃત્યુ આંક વધારે છે. લોકો કબ્રસ્તાનમાં મૃતદેહને દફનાવવા કલાકો સુધી ઊભા ન થાય તે માટે અહીં એડવાન્સમાં જ કબર ખોદવામાં આવી છે. સુરતના તમામ સમશાન ગૃહ હોય અથવા તો કબ્રસ્તાન હોય ત્યાં વર્તમાનમાં મૃતદેહની અંતિમ ક્રિયા માટે મૃતદેહોની સંખ્યા વધી છે. સામાન્ય દિવસો કરતા કોરોના કાળમાં મૃતદેહોની સંખ્યા 5 ગણી વધારે છે.
JCB મશીનથી કબરો ખોદવાની કામગીરી શરૂ
સુરતના કબ્રસ્તાનમાં કબર ખોદનારા મજૂરો પણ હદે થાકી ગયા છે કે, તેઓ હાલ કબર ખોદવા માટે તૈયાર નથી. કબ્રસ્તાનના ટ્રસ્ટીઓએ આ સમસ્યાથી કેવી રીતે મુક્તિ મેળવવી તેનો ઉપાય શોધવાનું શરૂ કર્યું હતું. આખરે કબ્રસ્તાનના ટ્રસ્ટીઓએ JCB મશીનથી કબરો ખોદવાની કામગીરી શરૂ કરાવી છે. ટ્રસ્ટી ઈબ્રાહીમ યુસુફ અશરફે જણાવ્યું હતું કે મજૂરો થાકી ગયા છે JCB મશીનથી કબરો ખોદવામાં આવે તો તેમને રાહત મળશે. આ હેતુથી JCB મશીન થકી કબરો ખોદાવી રહ્યા છે. જેના કારણે મૃતકના પરિવારને વધારે રાહ જોવી પડતી નથી.