- નાગોરી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કેસ દાખલ
- ગુજસીટોક હેઠળ આ ત્રીજો ગુનો નોંધાયો
- પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યા અને વીએચપીના નેતા પ્રવીણ તોગડિયા ઉપર થયેલા જીવલેણ હુમલામાં આ ગેંગની સંડોવણી
સુરતઃ ટમેટા ગેંગ, લાલુ જાલિમ ગેંગ બાદ હવે અશરફ નાગોરી ગેંગ સામે સુરતમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ એટલે કે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. આ ગેંગનો મુખ્ય આરોપી મોહમદ અશરફ મોહમ્મદ ઈસ્માઈલ નાગોરી છે. તેની ગેગના કુલ 5 સભ્યો સામે પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે. પાંચ પૈકી ૩ આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જયારે મુખ્ય આરોપી અશરફ નાગોરી સહીત બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર છે. આ ગેંગના મોહમદ આરીફ ઈસ્માઈલ નાગોરી, વસીમ મુસ્તુફા કુરેશી અને અબ્દુલ સમદ ઉર્ફે મલબારી ગુલામ મોયુદીન શેખની પોલીસે ધરપકડ કરી છે. આ ગેંગે સુરતના ચોકબજાર, કતારગામ, સલાબતપુરા ડીસીબી પોલીસ મથકમાં 12 જેટલા ગંભીર પ્રકારના ગુના નોંધાયા છે.
ગેંગ સામે ગંભીર પ્રકારના નોંધાયા છે ગુના
આ ગેંગના 5 આરોપીઓ સામે ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા છે. જેમાં મુખ્ય આરોપી મોહમદ અશરફ મોહમદ ઈસ્માઈલ નાગોરીએ છેલ્લા 10 વર્ષમાં ગંભીર પ્રકારના 12 ગુના, મોહમ્મદ ફિરોઝ ઉર્ફે ગઝની મોહમદ ફરીદ અંસારીએ 2 ગુના, મોહમદ આરીફ ઈસ્માઈલ નાગોરીએ 2 ગુના, વસીમ મુસ્તુફાએ 2 ગુના અને અબ્દુલ સમદ ઉર્ફે મલબારી મોયુદીન શેખે 5 ગુના આચરેલા છે.
આરોપીઓ સામે અગાઉ પાસા હેઠળ કાર્યવાહી કરાઈ હતી
મોહમદ અશરફ મોહમદ ઈસ્માઈલ નાગોરી વર્ષ 2015માં પાસા હેઠળ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. તથા વર્ષ 2020માં હદપારી કરવામાં આવી છે. મોહમ્મદ ફિરોઝ ઉર્ફે ગઝની મોહમદ ફરીદ અંસારી વર્ષ 2015માં પાસા હેઠળ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. મોહમદ આરીફ ઈસ્માઈલ નાગોરી સામે વર્ષ 2015માં પાસા હેઠળ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે, વસીમ મુસ્તુફાના પણ પાસા હેઠળ અટકાયતી પગલા લેવામાં આવ્યાં છે.