- બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો કાર્યક્રમ
- સોશ્યિલ મીડિયાના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
- તાલુકા કક્ષા સુધીના પદાધિકારીઓને અપાશે ટેબ્લેટ
બારડોલી: નમો એપ ડાઉનલોડ અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરત જિલ્લાના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. ગુરુવારના રોજ બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમાર સહિત જિલ્લા અને વિવિધ મંડળો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ કાર્યકર્તાઓને નમો એપ અને ટ્વિટર સહિતની સોશ્યલ મીડિયા એપ ડાઉનલોડ કરી તેનો વધુને વધુ ઉપયોગ કરવા આદેશ કર્યો હતો.
વિરોધી પાર્ટી દ્વારા ફેલાવવામાં આવતી અફવા અંગે લોકોને જાગૃત કરવા અપીલ
કાર્યકરોને સંબોધિત કરતા સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, જેમ લડાઈમાં શસ્ત્રો જોઈએ તેમ ચૂંટણીની લડાઈ લડવા માટે સોશ્યલ મીડિયા પણ એક શસ્ત્ર જ છે તેની તાલીમ અને ઉપયોગ તમામ કાર્યકરોએ કરવાનો છે. તેમણે નમો એપ વિશે વિસ્તારથી માહિતી આપી હતી. તેના ફીચર્સ, તેનાથી થનાર લાભ અને તેના ઉપયોગ બાબતે પાટીલે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં ઉમેર્યું કે, વિરોધી પાર્ટીઓ સોશ્યલ મીડિયામાં જે અફવા અને ખોટી વાતો ફેલાવે છે તેનાથી લોકોમાં ગેરસમજ ઉભી ન થાય તે માટે જાગૃતતા ફેલાવવાનું કામ કાર્યકરોએ કરવાનું છે. તેમણે કહ્યું કે તાલુકા કક્ષાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધીના કાર્યકારોને ટેબ્લેટ આપવામાં આવશે.