સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલા BRTS રૂટ પર ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા માટે સુરત મનપા દ્વારા સ્વિનગ મશીન લગાવવામાં આવ્યા છે. જેનો કોન્ટ્રાકટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. જો કે, ખાનગી કંપનીની બેદરકારી કે પછી કોન્ટ્રાકટરના માણસોની લાલિયાવડીના કારણે કેટલાક સ્વિનગ મશીન ગત કેટલાક સમયથી બંધ હાલતમાં પડ્યા છે. આ અંગે છાસવારે કંપનીને BRTS પરિવહનના ચેરમેન હેમાંગી બોગાવાળા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. છતાં ઇજારદારો અને કોન્ટ્રાક્ટરો દ્વારા તેનો ઉકેલ કરવામાં આવ્યો નથી.
ભાજપના નેતા અને પરિવહન ચેરમેન હેમાંગી બોગાવાળાએ પાંડેસરા વિસ્તારમાં આવેલા BRTS રૂટ પર જઈ ચેકીંગ હાથ ધર્યું હતું. જ્યાં સ્વિનગ ગેટ મશીન બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જેથી તેમણે પોતાની ઓફિસમાં 24 કલાક માટે ધરણાં શરૂ કરી દીધા હતા. જેના કારણે સુરત મહાનગરપાલિકા કચેરીમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. આ અંગે મેયર જગદીશ પટેલે તાત્કાલિક બેઠક બોલાવી કંપનીના કોન્ટ્રેક્ટરોને તાકીદે તેંડુ આપી બોલાવ્યા હતા. મેયર જગદીશ પટેલ, ડેપ્યુટી મેયર નીરવ શાહ સહિત પાલિકા અધિકારીઓ અને કંપનીના ઇજારદારો સહિત કોન્ટ્રાક્ટરોની હાજરીમાં મળેલી બેઠકમાં હેમાંગી બોગાવાળાની મક્કમતા જોઈ તાત્કાલિક બંધ હાલતમાં પડેલા 9 જેટલા સ્વીનગ મશીન કાર્યરત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 38 જેટલા સ્વીનગ મશીનો યુદ્ધના ધોરણે શરૂ કરવાની ખાતરી આપતા હેમાંગી બોગાવાળાએ પોતાના ધરણાં સમેટી લીધા હતા.