- BRTS બસમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો
- ડ્રાઈવરે સમયસુચકતા વાપરી તમામ મુસાફરોને બસમાંથી ઉતારી દીધાં
- બસમાં હાજર ફાયર એક્સટિંગ્વિશર દ્વારા આગ પર કાબૂ મેળવ્યો
સુરત:સુરતમાં વાહનોમાં અને દોડતી કારોમાં આગ લાગવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી હોય છે અને આગની ઘટનામાં વાહનો બળીને ખાખ થઇ જતાં હોય છે. ત્યારે આવી જ એક ઘટના વરાછામાં બનતા રહી ગઇ હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વરાછા પોલીસ મથક પાસે BRTS રૂટ પરથી એક BRTS બસ પસાર થઇ રહી હતી. દરમિયાનમાં બસમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી બસ ડ્રાઈવર મુકેશ પરમારનું ધ્યાન જતાં સમયસૂચકતા વાપરી બસને તાત્કાલિક રોકી દીધી હતી. આ સાથે બસમાં સવાર તમામ પ્રવાસી તાત્કાલિક બસમાંથી ઉતારી દીધાં હતાં. દરમિયાન બસમાં આગ લાગી હતી જેથી બસ ડ્રાઈવર મુકેશ પરમારે બસમાં હાજર ફાયર એક્સટિંગ્વિશર ( Fire Extinguisher ) દ્વારા આગ પર કાબૂ મેળવી લીધો હતો. આમ BRTS બસ ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે અહી મોટી દુર્ઘટના ટળી હતી .
Fire Extinguisher દ્વારા આગ પર કાબુ મેળવી લીધો
BRTS ડ્રાઈવર મુકેશ પરમારએ જણાવ્યું હતું કે બસમાંથી ધુમાડો નીકળતા મેં બસ સાઈડ પર ઉભી રાખી હતી અને બસમાં 15 જેટલા પ્રવાસી હતાં તે તમામને પહેલાં ઉતારી લીધાં હતાં. ત્યારબાદ બસમાં આગ લગતા જ બસમાં હાજર ફાયર એક્સટિંગ્વિશર ( Fire Extinguisher )દ્વારા આગ પર કાબૂ મેળવી લીધો હતો.
આ પણ વાંચોઃ પાલનપુર અમદાવાદ હાઇવે પર બસમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં