સુરત જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો: 36માંથી 34 બેઠક પર વિજય - Local body election result
સુરત જિલ્લા પંચાયત સહિત 9 તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ સુરત જિલ્લા પંચાયતનો વિસ્તાર કોંગ્રેસની મુક્તિ તરફ જઇ રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠક માંથી 34 બેઠક પર ભાજપે વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર 02 બેઠક આવી હતી.
6માંથી 34 બેઠક પર વિજય
By
Published : Mar 3, 2021, 1:58 PM IST
સુરત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને માત્ર બે બેઠક
માંડવી તાલુકાની 02 બેઠક પર કોંગ્રેસની જીત
અન્ય તમામ તાલુકાની જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો કબ્જો
બારડોલી:સુરત જિલ્લા પંચાયતની 36 બેઠક પૈકી 34 બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પહેલા જ 02 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. જ્યારે 34 બેઠકો પર યોજાયેલ ચૂંટણીમાં ભાજપે ગયા ટર્મ કરતાં સારું પ્રદર્શન કરી 34 માંથી 32 બેઠક કબ્જે કરી હતી. માત્ર બે બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. માંડવી વિસ્તારની જિલ્લા પંચાયતની બે બેઠકો કોંગ્રેસના ઉમેદવારે જીતી હતી. જ્યારે અન્ય તાલુકામાં કોંગ્રેસે ખાતું પણ ખોલ્યું નથી. અહીં કોંગ્રેસ માટે આંચકા જનક પરિણામ જોવા મળ્યા હતા.
કોંગ્રેસના દિગ્ગજ નેતા દર્શન નાયકની હાર
કોંગ્રેસના દિગ્ગજ નેતા દર્શન નાયક માંગરોળની નાની નરોલી જિલ્લા પંચાયતની બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા હતા. જ્યાં ભાજપના પ્રતિસ્પર્ધી ઉમેદવાર અફઝલખાન પઠાણે દર્શન નાયકને હારનો સ્વાદ ચખાડ્યો હતો. બીજી તરફ બારડોલી તાલુકામાં જિલ્લા પંચાયતની કડોદ બેઠક ઉપર માજી ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્ય અનિલ પટેલ (કંટાળી) ના ધર્મપત્ની પન્નાબેન ચૂંટણી લડી રહ્યા હતા, જ્યાં તેમને ભાજપના દિપીકાબેન પટેલે પરાજિત કર્યા હતા. જ્યારે બારડોલીની વરાડ જિલ્લાપંચાયત બેઠક ઉપર અનિલ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જ્યાં તેમને ભાજપના રોશન પટેલે પરાજિત કર્યા હતા. આ ઉપરાંત કામરેજની ઊંભેળ બેઠક ઉપર માજી ધારાસભ્ય ભારતીબેન રાઠોડે ઉમેદવારી નોંધાવી હતી. તેમની પણ ભાજપમાંથી જીત થઈ હતી. મહુવામાં પણ વલવાડા બેઠક ઉપર રાકેશ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. તેમની પણ જીત થઈ હતી.
માંડવી તાલુકા પંચાયતમાં 25 વર્ષ બાદ પહેલી વખત ભાજપની બહુમતી
કોંગ્રેસ માટે સૌથી આંચકાજનક પરિસ્થિતી માંડવી તાલુકા પંચાયતમાં જોવા મળી હતી અંહી 24 બેઠકમાંથી 14 બેઠક ભાજપે જીતી હતી. જ્યારે 10 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. 25 વર્ષ બાદ પ્રથમવાર માંડવી તાલુકા પંચાયતમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે.
6માંથી 34 બેઠક પર વિજય
મહુવા તાલુકા પંચાયત પણ ભાજપના ફાળે
આ ઉપરાત મહુવા તાલુકા પંચાયત પણ ભાજપે કોંગ્રેસ પાસે આંચકી લીધી છે. અહી ભાજપને 20માંથી 14 બેઠક મળી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 6 બેઠક ગઈ છે. જ્યારે ઉમરપાડા તાલુકા પંચાયત કોંગ્રેસ મુક્ત બની છે. અહી 16માંથી 16 બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે.
સુરત જિલ્લાના કામરેજ તાલુકા પંચાયતમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી સુરત શહેરને અડીને આવેલ આંબોલી અને કામરેજ-2 બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. જોકે અન્ય કોઈ તાલુકા પંચાયત કે નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીને કોઈ મોટી સફળતા મળી નથી.