- અનેક બેઠક પર ભાજપ બિનહરીફ
- પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આપ્યા અભિનંદન
- કોંગ્રેસને ઉમેદવાર શોધવામાં ફાંફા
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રસાકસી જામશે તેમ માનવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી હજુ નવી છે, જ્યારે કોંગ્રેસને તો હજુ ઉમેદવાર શોધવામાં પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કેટલીય બેઠક ઉપર બિનહરીફ જાહેર થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત નારણપુરા વોર્ડમાં બિન્દા સુરતી બિનહરીફ જાહેર થયા હતા. ત્યારબાદ આજે શનિવારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કેટલીક બેઠકો પર ભાજપના કેટલાક ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
કઈ બેઠકો પર ભાજપ બિનહરીફ?
આજે શનિવારે ભુજ નગરપાલિકામાં ભાજપના 2 ઉમેદવાર અને ધાંગધ્રા નગરપાલિકમાં ભાજપના 5 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, જ્યારે જિલ્લા પંચાયત અંતર્ગત જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના એક-એક ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે, જ્યારે તાલુકા પંચાયતમાં સુરતના ઓલપાડ અને ચોર્યાસીમાં એક-એક, અમદાવાદના દસક્રોઈમાં 02, કચ્છના ભુજમાં 01, જૂનાગઢ તાલુકા પંચાયતમાં 01, ભાવનગરના ઉમરાળા તાલુકા પંચાયતમાં 02, સુરેન્દ્રનગરના લીંબડીમાં 01, વઢવાણમાં 01, ધાંગધ્રા 02, જ્યારે થાનગઢમાં 5 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે.