- ભાજપે તમામ બેઠકો પર કર્યો કબજો
- એક બેઠક બિનહરીફ જાહેર થઈ હતી
- કોંગ્રેસને એક પણ બેઠક નહીં મળતા નિરાશા
બારડોલી: બારડોલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનું અપેક્ષા કરતાં પણ સારું પરિણામ આવ્યું છે. તાલુકા પંચાયતની તમામ 22 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ચૂંટણી અગાઉ તાલુકા પંચાયતની એક બેઠક બિનહરીફ થઈ હતી. બાકીની 21 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપે કબજે કરી લીધી છે. જેના પરથી સ્પષ્ટપણે કહી શકાય કે, બારડોલી તાલુકો કોંગ્રેસ મુક્ત બની ગયો છે.
બારડોલી તાલુકા પંચાયત કોંગ્રેસ મુક્ત, તમામ બેઠકો ભાજપે કબજે કરી - ગુજરાત ચૂંટણી પરિણામ
સુરત જિલ્લામાં બારડોલી તાલુકા પંચાયતની ચૂંટણીના જાહેર થયેલા પરિણામ પરથી બારડોલી તાલુકો કોંગ્રેસ મુક્ત બની ગયો હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહી તાલુકા પંચાયતની 22 બેઠકો ભાજપે કબજે કરી હતી અને જિલ્લા પંચાયતની 5 બેઠકો પણ ભાજપને ફાળે ગઈ હતી.
તાલુકા પંચાયતમાં કોઈ વિપક્ષ નહીં હોય
તાલુકા પંચાયતની તમામ 22 બેઠકો ભાજપના ફાળે જતાં વિરોધ પક્ષ તરીકે એક પણ ઉમેદવારની જીત થઈ ન હતી. જેને લઈ કોંગ્રેસી કાર્યકરોમાં નિરાશા જોવા મળી હતી. બીજી તરફ ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે જિલ્લા પંચાયતની બારડોલી તાલુકા અંતર્ગત આવતી તમામ પાંચ બેઠકો ઉપર ભાજપની જીત થઈ છે. ગત તાલુકા પંચાયતની ચૂંટણી કરતાં પણ ભાજપનું પ્રદર્શન સારું રહ્યું હતું. ભાજપે ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં 22 બેઠકો પૈકી 13 બેઠકો જીતી હતી. 7 બેઠકો કોંગ્રેસના ફાળે રહી હતી. જ્યારે 2 બેઠકો પર અપક્ષના ઉમેદવારોની જીત થઈ હતી. હાલમાં જાહેર થયેલ પરિણામમાં કોંગ્રેસને 7 બેઠકોનું નુક્સાન થયું છે.
- વિજેતા ઉમેદવારોની યાદી
બેઠક | વિજેતા | પાર્ટી | મેળવેલા મત |
આફવા | નીલાબેન પરભુભાઇ પટેલ | ભાજપ | 2829 |
અકોટી | અંકિતભાઈ અમૃતભાઈ રાઠોડ | ભાજપ | 2234 |
અસ્તાન | અંબાબેન જીતેન્દ્રભાઇ રાઠોડ | ભાજપ | 2642 |
બાબેન-1 | ધીરૂભાઈ ભીખુભાઈ રાઠોડ | ભાજપ | 1726 |
બાબેન-2 | શકુન્તલાબેન સન્મુખભાઈ રાઠોડ | ભાજપ | 2010 |
બાલ્દા | બિપિનચંદ્ર ચંદુભાઈ ચૌધરી | ભાજપ | 2947 |
કડોદ-1 | જમનાબેન મનહરભાઈ રાઠોડ | ભાજપ | 2175 |
કડોદ-2 | કાંતુભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ | ભાજપ | 2057 |
ખોજ | વૈશાલીબેન જિજ્ઞેશભાઈ પટેલ | ભાજપ | બિનહરીફ |
મઢી | જાગૃતિબેન દક્ષેશભાઈ વસાવા | ભાજપ | 2063 |
માણેકપોર | કિંજલબેન ચેતનસિંહ દેસાઇ | ભાજપ | 2902 |
મોતા | રમીલાબેન રણજીતભાઈ રાઠોડ | ભાજપ | 2005 |
નિઝર | આશાબેન રાજેન્દ્રસિંહ સોલંકી | ભાજપ | 2319 |
સરભોણ | પરિક્ષિત મધુભાઇ દેસાઇ | ભાજપ | 2232 |
સેજવાડ | કિરણભાઇ ભુલાભાઇ પટેલ | ભાજપ | 2564 |
સુરાલી-1 | જ્યોતિબેન રજનીકાંત ચૌધરી | ભાજપ | 1567 |
સુરાલી-2 | કિશોરભાઈ ઈશ્વરભાઈ ચૌધરી | ભાજપ | 1799 |
તેન | દિનેશભાઈ ગોવિંદભાઈ પરમાર | ભાજપ | 2320 |
વઢવાણીયા | કિરણભાઈ રવજીભાઈ ચૌધરી | ભાજપ | 2544 |
વડોલી | સુરેશભાઇ છીબાભાઇ હળપતિ | ભાજપ | 2165 |
વાંકાનેર | પદમાબેન ચેતનભાઇ હળપતિ | ભાજપ | 2265 |
વરાડ | અજીતભાઇ જગુભાઇ પટેલ | ભાજપ | 2883 |