બિલ્ડરને આપેલા ઉછીના 4 કરોડ રૂપિયા વસૂલવા માટે બીટકોઈન ફેમ શૈલેષ ભટ્ટે કુખ્યાત ગેંગને સોપારી આપી
કરોડો રૂપિયાના બીટકોઈન કૌભાંડના મુખ્ય સૂત્રધાર શૈલેષ ભટ્ટ સામે વધુ એક ફરિયાદ સુરત પોલીસે નોંધી છે. બિલ્ડરને આપેલા ઉછીના ચાર કરોડ રૂપિયા વસૂલવા માટે બીટકોઈન ફેમ શૈલેષ ભટ્ટે કુખ્યાત ગેંગને સોપારી આપી હતી. આ ગેંગના સભ્યો બિલ્ડરની ઓફિસમાં ગેરકાયદે કબજો કરવા હથિયાર સાથે પહોંચ્યા હતા. આખરે પોલીસે આ સમગ્ર ઘટનામાં સૌરાષ્ટ્રના માથાભારે યુવકોની ધરપકડ કરી તેમની પાસેથી ચાર પિસ્તોલ, 13 જીવતા કારતૂસ અને બે ચપ્પુ જપ્ત કર્યા છે.
સુરત: બીટકોઈન કૌભાંડનો મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. કરોડો રૂપિયાના બીટકોઈનનો કૌભાંડી શૈલેષ ભટ્ટ આ વખતે બિલ્ડરની ઓફિસ પર ગેરકાયદે કબજો કરવાના પ્રકરણમાં ચર્ચામાં આવ્યો છે. સુરત સરથાણા પોલીસે શૈલેષ ભટ્ટ સામે ફરિયાદ નોંધી છે, જેમાં તેમણે વર્ષ 2015માં એક બિલ્ડરને ઉછીના 4 કરોડ રૂપિયા દોઢ ટકા વ્યાજ પર આપ્યા હતા. બિલ્ડરે 6 કરોડ રૂપિયા પણ દીધા હતા પરંતુ શૈલેષ ભટ્ટે સૌરાષ્ટ્રના માથાભારે ગણાતા ગેંગના યુવાનોને બિલ્ડરની સાઇટ પર ગેરકાયદે કબજો કરવા મોકલ્યા હતા. બિલ્ડરની ઓફિસમાં ચાર જેટલા ઈસમો હથિયાર સાથે આવી ધાકધમકી આપી હતી અને સાઇટ પર ગેરકાયદે કબજો કરવા પ્રયાસ કર્યો હતો.