સુરતઃ સ્થિતિ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે, APMCમાં દરરોજ હજારો ટન શાકભાજી વેચાણ માટે આવે છે. સારું શાકભાજી તો વેચાય જાય છે, પરતું બગડેલા શાકભાજી અને શાકભાજીનો વેસ્ટ વેપારીઓ દ્વારા APMCમાં જ નાખવામાં આવે છે. આમ અંદાજે 40થી 50 ટન સુધી બગડેલા શાકભાજી અને શાકભાજીનો વેસ્ટ દરરોજ નીકળતો હોય છે. મહાનગર પાલિકા આ વેસ્ટ હટાવવા માટે APMC પાસે લાખો રૂપિયાનો સર્વિસ ચાર્જ વસુલ કરતી હતી.
સુરત APMCમાં શાકભાજીના વેસ્ટમાંથી બને છે બાયોગેસ અને ખાતર - vegetable waste in Surat APMC
વેસ્ટનો ઉપયોગ કરી બેસ્ટ વસ્તુ બનાવી લાખો રૂપિયાની આવક મેળવવાનો કીમિયો સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ શોધી કાઢ્યો છે. અત્યાર સુધી દરરોજ APMC માર્કેટમાં 40થી 50 ટન સુધી શાકભાજીનું વેસ્ટ ભેગું થતું હતું. જેને હટાવવા માટે લાખો રૂપિયા મહાનગર પાલિકાને આપવામાં આવતા હતા. આજ શાકભાજીનો ઉપયોગ કરી ગેસનું ઉત્પાદન અને ખાતર બનાવી કરોડો રૂપિયા કમાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે APMC ગુજરાત ગેસને બાયો સીએનજી ગેસ વેચી APMC લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.
પરંતુ APMC સુરતને મીનીસ્ટ્રી ઓફ નેચરલ એન્ડ રીન્યુએબલ એનર્જી વિભાગ દ્વારા શાકભાજીના વેસ્ટમાંથી ગેસનું ઉત્પાદન કરી શકાય તેવા પ્રોજેક્ટ અંગે તેમને માહિતી મળી હતી. સુરત APMCમાં દરરોજ 40થી 50 ટન શાકભાજીનો વેસ્ટ નીકળતો હોવાથી અહીં પણ આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. થોડા મહિનાઓ પહેલા જ તેનું ઉદ્દઘાટન પણ કરવામાં આવ્યું હતું. APMC દ્વારા આ ગેસને વેચવા માટે કરાર કરવામાં આવ્યો છે. APMC સાથે ગુજરાત ગેસ કંપનીએ કરાર કર્યો છે. દરરોજ APMC દ્વારા ઉત્પાદિત 5100 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર બાયો સીએનજી ગેસ ગુજરાત ગેસ કંપનીને વેચવામાં આવે છે. જેના બદલામાં આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણેનો ભાવ APMCને મળી રહ્યો છે. ગેસ ઉત્પાદિત કરી વેચાવનારી સુરત APMC દેશની પ્રથમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે.