- ચૂંટણી અને લગ્નસરાની સિઝનને કારણે સુરતમાં કોરોનાના કેસમાં વધારો
- હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો
- બહારથી આવનારા લોકોનું ટેસ્ટિંગ હાથ ધરાયું
સુરત: મહાનગરપાલિકાની ચૂંટણી અને લગ્નસરાની સિઝનને કારણે સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં એક સમયે જ્યાં 20થી 25 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હતા, હાલ ત્યાં 60થી ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને અન્ય રાજ્યોથી આવતા લોકોને 72 કલાક પહેલા કોરોના ટેસ્ટ કરાવીને જ સુરતમાં પ્રવેશ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે બહારથી આવનારા લોકોમાંથી જેમણે ટેસ્ટ નહીં કરાવ્યો હોય તેમનું ટેસ્ટિંગ પણ સુરતમાં હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે, સુરતમાં વધી રહેલા કોરોના કેસમાં બહારથી આવતા લોકોનો 50 ટકા ફાળો છે.
અન્ય રાજ્યોમાંથી આવનારા લોકોને કોરોના ટેસ્ટ ફરજિયાત
ચૂંટણી સમયે મોટી સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકર્તાઓ અને સાથે સાથે જે રીતે લગ્નસરાની સિઝન આવી હતી, તેના કારણે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જે કારણે સુરતમાં ફરી એકવાર કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોના કેસોમાં વધારો થતાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. સુરતમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી હોસ્પિટલ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન સહિત એરપોર્ટ પર કોરોના ટેસ્ટની કામગીરી વધારવામાં આવી છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી આવનારા લોકોને તાકીદ કરવામાં આવી છે કે, તે 72 કલાક પહેલાં જ કોરોના ટેસ્ટ કરાવીને સુરતમાં પ્રવેશ કરે.