જૂનાગઢ : એક સમયે હીરા ઉદ્યોગને રાજ્યની કરોડરજ્જુ સમાન માનવામાં આવતો હતો. સમગ્ર વિશ્વમાં હીરા ઉદ્યોગ માટે ભારત અને તેમાં પણ ગુજરાતની બોલબાલા જોવા મળતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં હીરા ઉદ્યોગ જે પ્રકારે મંદીના વમળમાં ફસાતો જાય છે, તેને જોતા રાજ્યની કરોડરજ્જુ સમાન હીરા ઉદ્યોગ હવે પોતાની શાખ બચાવવા માટે પણ મથામણ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હીરા ઉદ્યોગમાં ચડતી-પડતીનો સમય જોવા મળી રહ્યો છે, હાલ ચડતી-પડતી એટલી ઘાતક અને વિનાશક પુરવાર થઇ રહી છે. કરોડો લોકોને રોજગારી આપતો આ ઉદ્યોગ હવે ખુદ પોતાનું જ અસ્તિત્વ ટકાવી રાખવા માટે મરણીયા પ્રયાસો કરી રહ્યો છે.
કોરોનાના કહેર સાથે વૈશ્વિક મંદી : જૂનાગઢ હીરા ઉદ્યોગ પર માઠી અસર - હીરા ઉદ્યોગ
વૈશ્વિક મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગ પર હવે કોરોના વાયરસની પણ નજર લાગી છે. દિવાળી બાદ ઉદ્યોગમાં વ્યાપેલી મંદી કોરોના વાઇરસને કારણે આયાત નિકાસ બંધ થતાં ગુજરાતની કરોડરજ્જુ સમાન હીરા ઉદ્યોગ આજે મરણ પથારી તરફ આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
દિવાળી બાદ વૈશ્વિક મંદીને કારણે હીરા ઉદ્યોગમાં ખાસ ચળકાટ જોવા મળ્યો ન હતો, પરંતુ ઉદ્યોગકારો દ્વારા સમય રહેતા હીરા ઉદ્યોગમાં પણ તેજી આવશે. તેવું અનુમાન લગાવવામાં આવતું હતુ, પરંતુ દિવાળી બાદ ચીન અને હવે સમગ્ર વિશ્વમાં જે પ્રકારે કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. તેને લઈને હીરા ઉદ્યોગની મંદી વધુ આગળ વધી રહી છે. વાયરસની ઘાતક અસરોને જોતા વિશ્વના તમામ દેશોએ આયાત નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને કારણે હીરાનો કાચો માલ આયાત થઈ શકતો નથી અને તૈયાર થયેલો માલ વિશ્વના દેશોમાં નિકાસ થતો નથી. જેના કારણે રોજગારીની સાથે હાલ રાજ્યના રાજસ્વમા પણ ખૂબ મોટો ઘટાડો હીરા ઉદ્યોગને કારણે જોવા મળી રહ્યો છે.