- અરવિંદ કેજરીવાલે સુરતમાં સભા સંબોધી
- કોંગ્રેસ અને ભાજપના નેતાઓને આપમાં જોડાવા આપ્યું આમત્રણ
- તક્ષશિલા અગ્નિ કાંડમાં મૃત્યુ પામનારા માસૂમોને શ્રદ્ધાંજલિ આપી
સુરતઃ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટીનું પ્રદર્શન રહ્યું છે, તેનાથી ખુશ થઈને અરવિંદ કેજરીવાલે રોડ શોનું આયોજન કર્યું હતું. તેમજ કેજરીવાલે તક્ષશિલા અગ્નિ કાંડમાં મૃત્યુ પામનારા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ આ જ સ્થળે જનસભાને સંબોધિત કરી હતી. જનસભાને સંબોધિત કરતા પહેલા તેઓએ તક્ષશિલા અગ્નિ કાંડમાં મૃત્યું પામનારા માસૂમ બાળકો માટે સંવેદના વ્યક્ત કરી હતી. સુરતથી સભા સંબોધી રહેલા અરવિંદ કેજરીવાલના સંબોધનમાં નગરપાલિકાની જીતની ખુશી ઓછી અને આવનારા 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઇ તૈયારીઓ અંગે વક્તવ્ય વધારે હતું. તેઓએ જણાવ્યું હતું કે, માત્ર પાંચ વર્ષમાં દિલ્હીમાં તેઓએ મફત વીજળી, પાણી જેવી સુવિધા આપી છે. તેમજ કહ્યું કે, સારા શિક્ષણની સુવિધાઓ ત્યાંના સ્થાનિક લોકોને મળી રહી છે તો 25 વર્ષમાં આ તમામ સુવિધાઓ ભાજપની સરકાર શા માટે ગુજરાતની જનતાને આપી શકી નથી, મફત વીજળી, પાણી આપવામાં ભાજપની સરકાર નિષ્ફળ રહી છે.
દિલ્હીમાં લાખોની સંખ્યામાં યુવાનોને રોજગારી આપીઃ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, જ્યારે પણ ગુજરાતના શિક્ષિત બાળકો ધોરણ 10 અને 12 પાસ કરે છે ત્યારે એડમિશન માટે તેઓ અનેક સ્થળે ધક્કા ખાતા હોય છે અને જેમતેમ કરીને જો કોલેજમાં એડમિશન થઈ પણ જાય ત્યારે કોલેજ પૂર્ણ કર્યા બાદ નોકરી માટે ધક્કા ખાય છે. દિલ્હીમાં તેઓએ લાખોની સંખ્યામાં યુવાનોને રોજગારી આપી હોવાની વાત કરી હતી. સાથે જણાવ્યું હતું કે, પાંચ વર્ષ આમ આદમી પાર્ટીને લોકો ગુજરાતમાં તક આપે અને ત્યારબાદ તેઓ છેલ્લા 25 વર્ષમાં જે ભાજપે કાર્ય કર્યું હશે તે ભૂલી જશે.