- તંત્રને મળી એપ્લિકેશનની મદદ
- કોરોનાને નાથવામાં મળી સફળતા
- કોરોનાની સ્થિતિ પર રાખવામાં ચાંપતી નજર
સુરત: મનપાની એક એપ્લિકેશન શહેરમાં કોરોના સંક્રમણને નાથવા માટે રામબાણ ઈલાજ સાબિત થઈ છે. શહેરમાં જ્યારે કોરોના સંક્રમણ ન હતું ત્યારે જેમિની એપનો ઉપયોગ સામાન્ય રોગની માહિતીની આપ લે કરવા માટે થતો હતો પરંતુ જ્યારે આ સંક્રમણ વધ્યું ત્યારે આ એપનો ઉપયોગ કોરોના સંક્રમણ અંગેની માહિતી મોનિટરિંગ અને કોરોનાની વ્યાપક અસરને રોકવા માટે કરવામાં આવ્યો હતો. જેના કારણે મહાનગર પાલિકાના તમામ અધિકારીઓ કોરોના સંક્રમણની અસર ઓછી કરવામાં સફળ થયા છે. દેશમાં એક આ અલગ પ્રકારની એપ્લિકેશન છે જેના માધ્યમથી કોરોના ઉપર બાજ નજર રાખવામાં આવતી હતી.
એપ દ્વારા તંત્રને મળે છે તમામ
જેમિની એપનો ઉપયોગ સુરત શહેરમાં કોરોના સંક્રમણને વધવાથી રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આ એપની ખાસિયત છે કે એપ્લિકેશનમાં શહેરની ખાનગી હૉસ્પિટલ, ક્લિનિકમાં સામાન્ય તાવ, શરદી અને ખાસીની સારવાર લેતા દર્દીઓની માહિતી તબીબો મનપાને આપે છે. જેથી કરી મનપાને તમામ માહિતી મળે છે. આ જ જેમિની એપ્લિકેશન સમગ્ર દેશમાં રોલ મોડલ બની છે. મનપાએ એક સરળ વ્યવસ્થા તૈયાર કરી છે, જે અંતર્ગત ખાનગી પ્રેક્ટિસ કરતા ડૉકટર્સ તેમને ત્યાં આવતા તેમના વિસ્તારના દર્દીઓની માહિતી રોજ અપલોડ કરે છે. જેનાથી મનપાનો આરોગ્ય વિભાગ એવા દર્દીઓની માહિતી મેળવી શકે અને પ્રથમ તબક્કામાં કોરોનાના લક્ષણો હોય તો યોગ્ય સારવાર આપી શકે. આ ઉપરાંત તેનાથી બીજા દર્દીઓમાં પણ કોરોના ફેલાતો અટકાવી શકાય.