ગુજરાત

gujarat

ETV Bharat / city

Rarest Of The Rare: સુરતમાં માત્ર 7 દિવસની બાળકીના શરીરમાં એન્ટીબૉડી જોઇને ડૉક્ટર ચોંકી ઉઠ્યા

વિદેશમાં જોવા મળતી બિમારી MIS-Cના કેટલાંક કેસ સુરતમાં જોવા મળી રહ્યા છે. પરંતુ સુરત શહેરમાં માત્ર 7 દિવસની બાળકીમાં આ કેસ જોવા મળ્યો છે. જે વિશ્વમાં પ્રથમ કેસ હોવાનો તબીબે દાવો કર્યો છે.

Etv Bharat Gujarat
સુરતમાં માત્ર 7 દિવસની બાળકીના શરીરમાં એન્ટીબૉડી જોઇને ડૉક્ટર ચોંકી ઉઠ્યા

By

Published : Oct 1, 2020, 6:37 PM IST

સુરતઃ શહેરના ભંડેરી પરિવારમાં બાળકીના જન્મને લઈને આનંદ જોવા મળી રહ્યો હતો. પરંતુ અચાનક જ બાળકીને જન્મના 3 દિવસ બાદ તાવ આવતા તેને હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પાંચથી છ દિવસની સારવાર બાદ પણ બાળકીનો તાવ ન ઉતરતા આખરે ડૉક્ટરે બાળકીની માતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ બાળકીની માતાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ડૉક્ટરોએ ફરી બાળકીની સારવાર શરૂ કરી હતી. છતાં પણ બાળકીની તબિયત વધુ લથડતી હતી.

સુરતમાં માત્ર 7 દિવસની બાળકીના શરીરમાં એન્ટીબૉડી જોઇને ડૉક્ટર ચોંકી ઉઠ્યા

આખરે બાળકીના શરીરમાં કોઈપણ મુવમેન્ટ ન થતા કોરોના મહામારીમાં બાળકોને થતી MIS-Cની શંકા ડૉક્ટર્સને થઇ હતી. આ જ કારણ છે કે, તેઓએ માતા અને બાળકીનો એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં બંન્નેનો એન્ટિબોડી ટેસ્ટ પોઝિટિવ આવતા ડૉક્ટર પણ હેરાન થઈ ગયા હતા. બાળકીની માતા જ્યારે ગર્ભવતી હતી ત્યારે માતા કોરોના પોઝિટિવ હતી તે અંગે કોઈને જાણ ન હતી અને કોરોના નેગેટિવ થયા બાદ માતાના બોડીમાં એન્ટીબોડી બનીને બાળકીના શરીરમાં પ્રવેશ્યા હતા. જેથી બાળકીમાં પણ એન્ટીબોડી જોવા મળ્યા હતા. એન્ટીબોડીના કારણે બાળકીના મગજ હૃદય અને ફેફસા ઉપર અસર જોવા મળી રહી હતી. અન્ય ડૉક્ટર્સના જણાવ્યા મુજબ બાળકી બચી શકે એમ સ્થિતિ નહોતી.

સુરતના બાળ ચિકિત્સક આશિષ ગોટીએ આ અંગે અમેરિકા અને જર્મનીમાં પણ તપાસ કરી કે, આટલી નાની ઉંમરમાં કોઈ પણ બાળકમાં એન્ટીબોડીની અસર જોવા મળે કે નહીં; અને જો અસર જોવા મળી હોય તો તેની સારવાર કેવી રીતે કરી શકાય. પરંતુ તેઓને જાણવા મળ્યું હતું કે, વિશ્વમાં આટલી નાની ઉંમરમાં કોઈ પણ બાળકના શરીરમાં એન્ટીબોડીની અસર જોવા મળી નથી અને તેની સારવાર અંગે કોઇ ઉલ્લેખ પણ નથી. તેથી તેઓએ અત્યાર સુધી જે રીતે MIS-Cના બાળકોને સારવાર આપી હતી, તે જ રીતે આ 7 દિવસની બાળકીને સારવાર આપવાનું શરૂ કર્યું હતું. આખરે બાળકી સાજી થઈ પોતાના ઘરે પરત ફરી હતી.

સુરતના લાલ દરવાજા ખાતે નાઇન્સ ચિલ્ડ્રન હૉસ્પિટલમાં આ બીમારીનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. જેમાં સુરતના જાણીતા તબીબ આશિષ ગોટીએ આ બાળકીની સારવાર કરી સ્વસ્થ કરી હતી. આ બીમારી આમ તો 20 વર્ષ સુધીના બાળકીને થઈ શકે છે. પરંતુ સુરતમાં એક નવજાત બાળકી આ બીમારીનો ભોગ બની હતી અને નવજાત બાળકીમાં આ બીમારી આવી હોવાનો દેશમાં જ નહીં પરતું વિશ્વમાં પ્રથમ કેસ હોવાનો તબીબ આશિષ ગોટીએ દાવો કર્યો છે. આ બીમારીને MIS-N ( MULTISYSTEM ઇન્ફ્લામેટ રી SYNDROME IN NEONATES) નામ આપવામાં આવ્યું છે. આ સાથે તેઓએ જણાવ્યું છે કે, આ અંગે તેઓ કેન્દ્ર સરકારને જાણકારી આપશે જેથી આવા બાળકોને દેખાતા લક્ષણને લઇ તેમની સારવાર યોગ્ય સમયે થઈ શકે.

બાળક જન્મતાની સાથે જ જો કોઈ અજગતી બિમારી હોય તો સ્વાભાવિક છે. પરંતુ પોતાની નવજાત બાળકીને આ બીમારી વિશે સાંભળી પરિવાર પણ ચોકી ઉઠ્યો હતો અને આખરે તેઓએ બાળક બચી શકશે કે કેમ તે અંગે આશા પણ છોડી દીધી હતી. પરંતુ કહેવાય છે કે, તબીબ એ ભગવાનનું રૂપ છે. તે વાત અહી સાર્થક થઇ હતી. ડૉક્ટર આશિષ ગોટીએ આશા છોડ્યા વગર બાળકીની સારવાર કરી હતી અને આખરે 15 દિવસની સારવાર બાદ બાળકી સ્વસ્થ થઈ હતી. બાળકી સ્વસ્થ થતા આખરે પરિવારજનોએ તબીબનો આભર વ્યક્ત કર્યો હતો. આ બિમારી અંગે અન્ય તબીબો અને વાલીઓને પણ જાગૃત કરાશે અને આ મામલે ડેટા કેન્દ્ર સરકાર સુધી પહોચાડવામાં આવશે તે અંગે આશિષ ગોટીએ વધુ માહિતી આપી હતી.

એક તરફ દુનિયા કોરોનાની મહામારી સામે લડી રહી છે. કેટલાંક દેશોમાં હજુ પણ લોકડાઉન કરવામાં આવ્યું છે તો બીજી તરફ ભારતમાં કોરોના વાઇરસના કેસ 60 લાખને પાર છે. લોકોને તકેદારી રાખવા તંત્ર સતત અપીલ પણ કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details