- સુરતમાં ભીખ માંગતા બાળકોને છોડાવાયાં
- એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા 10 બાળકોને છોડાવાયાં
- ભીખ મંગાવનારા વાલીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
સુરત: શહેર ક્રાઈમ બ્રાન્ચની મિસિંગ સેલ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ ભીખ માંગતા 10 બાળકોને છોડાવવામાં આવ્યું હતું. પોલીસે બાળકો પાસે ભીખ મંગાવનારા વાલીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
6 થી 14 વર્ષના બાળકોનો સમાવેશ
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં સગીર વયના ભીખ માંગતા બાળકોને છોડાવી તથા તેઓને ભીખ માંગવા મજબૂર કરનારા ઈસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને મિસિંગ સેલના પી.આઈ. એ.જે. ચૌધરી તથા તેમની ટીમે કાર્યવાહી કરવા માટે બે ખાનગી ગાડીઓમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમને ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સિવિલ ચાર રસ્તા, મશાલ સર્કલ અને જમના નગર ઓવરબ્રિજ નીચે એમ અલગ-અલગ ત્રણ વિસ્તારોમાં ભીખ માંગી રહેલા 10 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં 6 થી 14 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે.