ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની વાર્ષિક સાધારણ સભા મળી

સુરત અને તાપી જિલ્લામાં આર્થિક ક્ષેત્રે જીવાદોરી સમાન ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની વાર્ષિક સાધારણ સભા બારડોલી ખાતે મળી હતી. જેમાં ઉપસ્થિત રહેલા બેન્કના ભાગીદારોએ એજન્ડાના તમામ કામોને મંજૂરી આપી હતી. બેઠકમાં કોરોના મહામારીને કારણે ફેલાયેલી વૈશ્વિક મંદી બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની વાર્ષિક સાધારણ સભા મળી
સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની વાર્ષિક સાધારણ સભા મળી

By

Published : Nov 11, 2020, 9:49 PM IST

  • સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની વાર્ષિક સાધારણ સભા મળી
  • એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર
  • બેન્કે ઇતિહાસમાં પ્રથમ વખત 773 કરોડનો વેપાર કર્યો

બારડોલી: સુરત અને તાપી જિલ્લામાં આર્થિક ક્ષેત્રે જીવાદોરી સમાન ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની વાર્ષિક સાધારણ સભા બારડોલી ખાતે મળી હતી. જેમાં ઉપસ્થિત રહેલા બેન્કના ભાગીદારોએ એજન્ડાના તમામ કામોને મંજૂરી આપી હતી. બેઠકમાં કોરોના મહામારીને કારણે ફેલાયેલી વૈશ્વિક મંદી બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

સભામાં બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર મહાવીરસિંહ ચૌહાણે ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીનું વાંચન કર્યું હતું. બાદમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તરફથી બેન્કના ચેરમેન નરેશભાઇ પટેલે 31મી માર્ચના રોજ પૂરા થતાં વર્ષનો અહેવાલ તથા 2019-20ના વર્ષનું સરવૈયું અને નફા તોટાનો હિસાબ રજૂ કર્યો હતો. જેને ઉપસ્થિત બેન્કના ભાગીદારોએ સર્વાનુમતે મંજૂર રાખ્યું હતું.

જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભિખાભાઈ પટેલનું નિવદેન


આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભિખાભાઈ પટેેલે જણાવ્યુ હતું કે, સહકારી પ્રવૃત્તિને મૂલ્ય આધારિત ચલાવવાની છે. કેટલીક સંસ્થાઓમાં મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે. ત્યારે જિલ્લામાં ટોચની સંસ્થાઓ જેવી કે, સુરત ડિસ્ટ્રિક્ટ બેન્ક, સુમુલ તેમજ અન્ય મોટી સંસ્થાઓએ મૂલ્યોનું ધોવાણ અટકાવી નાની સંસ્થાઓને પ્રોત્સાહન પૂરું પાડવાની જવાબદારી નિભાવવી જરૂરી છે. સહકારના મૂલ્યોની જાળવણી કરવાની આપણી ફરજ છે. પક્ષીય વાતાવરણમાં પણ તેમણે સહકારી સંસ્થાઓના વિકાસમાં તમામને સાથે લઈને ચાલવાની ટકોર કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે સહકારી પ્રવૃત્તિ તાકાત વાળી પ્રવૃત્તિ છે. આવી સંસ્થાના વહીવટકર્તાઓને સાથ આપવા તેમજ કોઈના પગ ખેંચવાની જગ્યાએ વહીવટ કરનારાઓની ઢાલ બનવા અપીલ કરી હતી.

બેન્કને 16 કરોડનો થયો ચોખ્ખો નફો

બેન્કના ચેરમેન નરેશ પટેલે બેન્કની વર્ષ દરમિયાનની પ્રવૃત્તિનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે હાલમાં કોરોના મહામારીને કારણે વિશ્વમાં ચાલી રહેલ મંદી અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે, આ એક બિહામણું પરિદ્રશ્ય છે. જેમાં દુનિયામાં મોટા પાયે દેવાળિયાપણાની સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. કોરોના સર્જિત આ મંદી 1930 પછીની સૌથી મોટી મંદી છે. બેન્કનો વર્ષ દરમિયાનનો ચિતાર રજૂ કરતાં પટેલે જણાવ્યુ કે, બેન્કના ઇતિહાસમાં પ્રથમ વખત આપણે એક વર્ષમાં 773 કરોડ રૂપિયાનો વ્યાપાર મેળવી અભૂતપૂર્વ પ્રગતિ કરી છે અને આવી જ રીતે બેન્ક પ્રગતિ કરતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં બેન્કે 16 કરોડનો ચોખ્ખો નફો કરેલો છે. નાણાકીય વર્ષના નાતે શેર ભંડોળ 6.85 કરોડ અને અન્ય ભંડોળો 468.95 કરોડ રહ્યા છે. જે ગત વર્ષની સાપેક્ષ એકંદરે 28.43 કરોડ વધ્યા છ. બેન્કની કુલ થાપણોમાં ગત વર્ષની સરખામણીએ 539.52 કરોડ એટલે કે 10.01 ટકાનો વધારો થયો છે.

બેન્ક ધિરાણમાં 9.38 ટકાનો વધારો

બેન્કની ધિરાણ બાકી રૂપિયા 2722.33 કરોડ છે. જેમાં ગત વર્ષ કરતાં રૂપિયા 233.49 કરોડ એટલે કે, 9.38 ટકાનો વધારો કરી શક્યા છીએ. જ્યારે બેન્કમાં 2019-20 દરમિયાન નોન ફંડ બેઝ બેન્ક ગેરેન્ટી તેમજ લેટર ઓફ ક્રેડિટ ફેસિલિટી હેઠળ કુલ જવાબદારી 9.07 કરોડ છે. જે 100 ટકા સિક્યુરિટી સાથે સંપૂર્ણ જવાબદાર છે.

NPA ખાતામાં 97.80 ટકાની ઊંચી વસૂલાત કરી

વધુમાં તેમણે જણાવ્યુ કે, ચાલુ વર્ષે બેન્કની વસૂલાતની કામગીરી ખુબ સારી રહી છે. પરિણામે આપણે 97.80 ટકા જેટલી ઊંચી વસૂલાત મેળવી બેન્કના એનપીએમાં કુલ 81 ખાતામાં 1.51 કરોડની વસૂલાત મેળવી શક્યા છે. જે પૈકી 14 ખાતા સંપૂર્ણ બંધ થઈ ગયા છે. મુદતવીતી ટકાવારી કુલ ધિરાણ સામે 2.20 ટકા રહેવા પામી છે. આ પ્રસંગે સુમુલ ડેરીના ડિરેક્ટર માનસિંહ પટેલ, સહકારી અગ્રણી હસુભાઈ ભક્ત, બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશ પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના બારડોલીના જીતેન્દ્રસિંહ વાંસીયા સહિતના ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details