- વેક્સિનેશનના દિવસે સુરતમાં હાજર ન હોવા છતા વેક્સિન લીધી હોવાનું સર્ટિ બન્યું
- કોઈ બીજી વ્યક્તિને આ વેક્સિન આપીને દુરુપયોગ કરાયો હોવાનો આક્ષેપ
- હેલ્થ સેન્ટરના મહિલા કર્મચારી મનિષાબેન ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધવા કરી માગ
સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા બમરોલી હેલ્થ સેન્ટરમાં વેક્સિન લીધા વગર સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે. પાંડેસરા નવજીવન પેલેસમાં રહેતા અનુપ રાજપૂતના પિતા હરિભાનસિંહ રાજપૂતને બમરોલી હેલ્થ સેન્ટરમાં 13 માર્ચના રોજ કોરોના વેક્સિન આપવામાં આવી હોવાનું સર્ટિફિકેટ ઓનલાઈન મૂકવામાં આવ્યું હતુ. અનુપ રાજપૂતના પિતાએ આ વેક્સિન લીધી ન હોવા છતાં તેમના નામે સર્ટિફિકેટ ઇશ્યૂ કરાતા ભારે વિવાદ સર્જાયો છે.
આ પણ વાંચો:ચૂંટણી પછી વકરતો કોરોના, જવાબદાર કોણ ?
વેક્સિનની એપોઇન્ટમેન્ટના સમયે હરિદ્વારમાં હતા
13 માર્ચના રોજ હરિભાનસિંહ સુરતમાં ન હોવા છતાં આ સર્ટિફિકેટ ઈશ્યૂ થતા હેલ્થ સેન્ટર દ્વારા વેક્સિનના નામે ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાનો આક્ષેપ તેમના પરિવારજનો દ્વારા કરાયો છે. અનુપભાઈ રાજપૂતના પિતા વેક્સિનની એપોઇન્ટમેન્ટના સમયે હરિદ્વારમાં હોવા છતાં પણ તેમને વેક્સિન મળી ગઈ હોવાનું સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. વેક્સિન ન આપી હોવા છતાં સર્ટિફિકેટ ઈશ્યૂ કરનારા બમરોલી હેલ્થ સેન્ટરના કર્મચારી મનીષા ગોહિલ વિરુદ્ધ વેક્સિનના દુરુપયોગ બદલ ફોજદારી કાર્યવાહી કરવાની માગ હરિભાનસિંહના પુત્ર દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો:વેક્સિન લીધા પછી પણ સુરત મનપા વિકાસ વિભાગના ત્રણ ઈજનેરોને થયો કોરોના