- સુરતના ખ્યાતનામ બિલ્ડર અને ઉદ્યોગપતિ છે મહેશ સવાણી
- અગાઉ ભાજપ સાથે ઘરોબો ધરાવતા હતા મહેશ સવાણી
- રવિવારે મનીષ સિસોદિયાની હાજરીમાં AAPમાં જોડાયા
સુરત : આજે રવિવારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (Deputy CM Manish Sisodiya) ની હાજરીમાં શહેરના ખ્યાતનામ બિલ્ડર અને ઉદ્યોગપતિ મહેશ સવાણી (Mahesh Savani) એ આમ આદમી પાર્ટી (Aam Admi Party) નો ખેસ ધારણ કર્યો છે. અગાઉ ભાજપ સાથે ઘરોબો ધરાવતા ઉદ્યોગપતિએ AAP સાથે છેડો જોડતા અનેક તર્ક વિતર્કો પણ સર્જાયા છે. આ વચ્ચે ETV Bharat દ્વારા તેમની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
પ્રશ્ન - AAP માં જોડાવા પાછળનું કારણ શું ?
જવાબ -બધાના અલગ અલગ મંતવ્યો અને વિચાર હોય છે. અત્યાર સુધી અમે સેવાના કાર્યો કરતા હતા. એમાં માત્ર ભાજપના જ નહીં, પરંતુ કોંગ્રેસના પણ કાર્યકર્તાઓ જોડાતા હતા. ગોપાલભાઈ જ્યારે AAP માં નહોતા. ત્યારથી મારા મિત્ર છે. મારી પાસે 3 ઓપ્શન હતા. એક 80 વર્ષ જૂનું મકાન (કોંગ્રેસ) હતું. એક 23 વર્ષ જૂનું મકાન (ભાજપ) હતું. જેનું એલિવેશન તો ઠીક હતું, પરંતુ અંદરથી કંઈ મજા ન હતી. જ્યારે ત્રીજો ઓપ્શન એક ઓપન પ્લોટ (AAP) હતો. જેથી મેં ઓપન પ્લોટમાં કન્સ્ટ્રક્શન કરીને લોકોની સેવા કરવાનો નિર્ણય લીધો અને આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.
પ્રશ્ન -લોકોએ તમને AAP માં જોડાવા માટે એલર્ટ પણ કર્યા હશે ?
જવાબ -મેં મારા ઘણા મિત્રો સાથે આ અંગે વાત કરી હતી. જેમાંથી 80 ટકા લોકોને એક જ વાતનો ડર હતો કે, એ લોકો(ભાજપ) બહુ હેરાન કરે છે. એટલે મેં કહ્યું કે અત્યાર સુધી તો મને નથી હેરાન કરાયો, આગળ કરશે તો કહીશ.
પ્રશ્ન -ગુજરાત એ ભાજપનો ગઢ છે, અન્ય પાર્ટીનો સીધો મુકાબલો ભાજપના મુખ્ય ચહેરા વડાપ્રધાન મોદી સાથે હોય છે, તો ક્યા પ્રકારની લડત રહેશે ?
જવાબ -મને એમ લાગે છે કે, વિરોધ પક્ષ લડત આપવામાં નિષ્ફળ ગયો છે. આપણે માત્ર એલિવેશન જ જોઈએ છીએ. મને કોઈ કહેતું હોય કે તમે માત્ર સ્કૂલો જ ચલાવો છો, પણ હું સ્કૂલ કઈ રીતે ચલાવું છું તે વધારે મહત્વનું છે.