- કાપડના વેપારીને પાર્સલ ખોલતા એક પિસ્તલ અને 4 નંગ જીવતા કારતુસ મળી આવ્યા હતા
- ઘટનામાં સુરત પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા
- કર્મચારીએ ડી કંપનીના નામે કાપડ વેપારીને પિસ્તોલ સાથે બે કરોડ રૂપિયાની ખંડણી માગી હતી
સુરત: વેસુ સ્થિત રહેતા લોકેશભાઈ લક્ષ્મીલાલ સિંઘવી શિવશક્તિ માર્કેટમાં કાપડની દુકાન (clothes shop)ધરાવે છે. બપોરના સમયે તેઓ દુકાન પર હતા, ત્યારે એક કિશોર દુકાને આવ્યો હતો અને લોકેશભાઈના ભાઈ ઇન્દરભાઈનું પાર્સલ બોમ્બેથી આવ્યું છે, તેમ કહી આપીને ચાલ્યો ગયો હતો. વેપારીએ પાર્સલ ખોલતા એક પિસ્તોલ અને 4 નંગ જીવતા કારતુસ મળી આવ્યા હતા. સાથે તેઓના ફાર્મ હાઉસ સહિતના અલગ-અલગ 14 ફોટાઓ અને અંગ્રેજીમાં ડી કંપનીના નામે ટાઈપ કરેલો ધમકી ભર્યો લેટર નીકળ્યો હતો. લેટરમાં તેઓના પરિવારના કોઈ પણ સભ્યને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, સાથે જ 2 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી.
તપાસ કર્યા બાદ બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા
આ ઘટના બાદ કાપડ વેપારી ગભરાયા હતા અને તેઓએ તાત્કાલિક આ મામલે પોલીસને જાણ કરી હતી. બનાવની ગંભીરતા જોઈ સુરત પોલીસ કમિશ્નર (Police Commissioner) અજય કુમાર તોમરે એક સ્પેશીયલ ટીમની રચના કરી હતી અને આખો દિવસ અને આખી રાત તપાસ કર્યા બાદ બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં આવું કરનાર અન્ય કોઈ નહી, પરંતુ દુકાનમાં કામ કરતો કારીગર જ નીકળ્યો હતો.
આ પણ વાંચો- ડાંગ: સુગર ફેકટરીઓમાં શેરડી કાપણી માટે જતા મજૂરોના પગાર વધારા મુદ્દે આવેદન
દુકાનમાં કામ કરતો કારીગર જ નીકળ્યો આરોપી
આ ઘટનામાં સુરત પોલીસની ટીમે ગોડાદરા સ્થિત વિઠલ મંદિર પાસે રહેતા 21 વર્ષીય સાગર ભગવાન મહાજન અને આસપાસ નીલગીરી સર્કલ પાસે રહેતા તેના 21 વર્ષીય મિત્ર કિરણ પીતાંબર મહાજનને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં આરોપી સાગર તેની બહેન સાથે રહે છે અને કાપડ વેપારીની દુકાનમાં સાડી પેકિંગનું કામ છેલ્લા 8 વર્ષથી કરે છે. તેમ છતાં તેનો પગાર માત્ર 10 હજાર રૂપિયા જ હતો.
પગાર વધારવા અવાર-નવાર કાપડ વેપારીને કારીગર ફરિયાદ કરતો હતો
આ ઉપરાંત દુકાનમાં નવા આવેલા કરીગરને કાપડ વેપારી 9,500 રૂપિયા ચુકવતા હતા. જેથી પોતાનો પગાર વધારવા માટે અવાર-નવાર કાપડ વેપારીને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ તેના મિત્ર સુરેશનું નિધન થતા તેની અંતિમવિધિ માટે સાગરે કાપડ વેપારી પાસેથી 10 હજાર રૂપિયા માંગ્યા હતા. જેમાં કાપડ વેપારીએ તારા જવાથી તારો મિત્ર જીવતો નહી થઇ જાય તેવો જવાબ આપ્યો હતો. જેથી આ વાતનું કારીગર સાગરને લાગી આવ્યું હતું અને તેણે બદલો લેવાનું વિચાર્યું હતું.