- સુરતમાં મોંઘા કેમેરાની ચોરી કરતો એક આરોપી ઝડપાયો
- ઝડપાયેલો આરોપી દિલ્હીની ગેંગનો હોવાનું આવ્યું સામે
- સિક્યોરિટી ગાર્ડે આરોપીનો પીછો કરી ઝડપી પાડ્યો
- પોલીસે ચોરીના 12 ગુનાનો ભેદ ઉકેલ્યો
સુરતઃ શહેરના પીપલોદ વિસ્તારમાં 2 દિવસ પહેલા ક્રોમા સેન્ટરમાં ચોરી કરતા ભાગી રહેલો એક આરોપીને ઉધના દરવાજા પાસે ઝડપી લેવાયો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન તેના દ્વારા મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને ગુજરાત સહિતના રાજ્યોમાં ક્રોમા સેન્ટર અને રિલાયન્સમાં કરેલી ચોરીના 12 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પીપલોદ ક્રોમા સેન્ટરના મેનેજરે 2 દિવસ પહેલા ફોન કરી પોલીસને જાણ કરી હતી કે, 2 અજાણ્યા શખ્સ પીપલોદ ખાતે ક્રોમા સેન્ટરમાં કેમેરાની ચોરી કરવાનો પ્રયાસ કરતા સિક્યોરિટી ગાર્ડે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બન્ને અજાણ્યા ત્યાંથી રિક્ષામાં બેસીને ભાગી ગયા હતા. સિક્યોરિટી ગાર્ડે તેમનો પીછો કરતા એક જણ રિક્ષામાંથી ઉધના દરવાજા પાસેથી ઝડપાયો હતો. તેનું નામ પૂછતા તેને આમીર અલી ઉર્ફે રઈસ અલી ઉર્ફે સમીર અલી રમઝાન અલી શૌન હોવાનું જણાવ્યું હતું. 26 વર્ષીય સમીર (ઈસ્ટ ઓલ્ડ શિલમપુર થાના ક્રિષ્ણનગર, દિલ્હી)નો રહેવાસી છે.