સુરત : હાઈકોર્ટના નિર્ણય અને રાજ્ય સરકારના ઠરાવને લઇ સુરતના વાલીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે .જ્યારે શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરવાના નિર્ણય સામે વાલીઓએ વ્યાપારીકરણના આક્ષેપ કર્યા છે.
સુરતમાં છેલ્લા દોઢ માસથી ઓનલાઇન શિક્ષણ અને ફી મુદ્દે ભારે ઉહાપોહ મચ્યો હતો. આ વચ્ચે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી શાળાઓ બંધ છે ત્યાં સુધી વાલીઓ પાસેથી ફી નહીં વસૂલવા માટે શાળાઓને આદેશ કરાયા છે. જ્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ પસાર કરી શાળાઓને આ માટેની સૂચના આપી દેવામાં આવી છે,પરંતુ સરકારના આ નિર્ણય સામે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરતમાં ઓનલાઇન શિક્ષણ બંધ કરવાના નિર્ણય સામે વાલીઓએ કર્યાં વ્યાપારીકરણના આક્ષેપ - ફી
કોરોના કાળમાં કેજીથી લઈ માસ્ટર ડિગ્રી સુધીનું શિક્ષણ આપતી તમામ શિક્ષણસંસ્થાઓના સંકુલ સૂના પડ્યાં છે. જોકે જૂન માસમાં શૈક્ષણિક સત્ર શરુ થતું હોય છે ત્યારે દરેક શાળા સંસ્થાઓએ ઓનલાઈન ક્લાસીસ શરુ કરી દીધાં હતાં અને ફી ઉઘરાવવા વાલીઓ પર અત્યંત દબાણ પણ શરુ કરી દીધું હતું. અવનવા નામે રુપિયાના ઢગલાં ઉઘરાવવાની શાળાઓની દાનત સામે વ્યાપક વિરોધ થયો જે હાઈકોર્ટના આંગણે પહોંચ્યો. ત્યારે સરકારે ફી ન લેવા જણાવતાં શિક્ષણ સંસ્થાઓ દ્વારા ઓનલાઈન ક્લાસીસ આજથી બંધ કરાયાં છે. જેને લઇ વાલીઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે.
ગુજરાત હાઇકોર્ટ અને રાજ્ય સરકારે કરેલા નિર્ણયને લઈ એક તરફ વાલીઓમાં હર્ષની લાગણી છે. ત્યાં બીજી તરફ શાળા સંચાલકો એક થયાં છે અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ અંગે સુરત વાલીમંડળના સભ્યોએ જણાવ્યું છે કે ઓનલાઇન શિક્ષણનો પહેલાંથી જ વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
જ્યારે બીજી તરફ શાળા સંચાલકો દ્વારા વાલીઓ પર ફી મુદ્દે કરાતા દબાણને લઈ ગુજરાત હાઇકોર્ટ અને રાજય સરકારે કરેલા નિર્ણય સામે વાલીઓમાં પણ ખુશીની લાગણી છે.શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને લઈ હમણાં સુધી કરવામાં આવતાં શિક્ષણનું વ્યાપારીકરણ સામે આવી ચૂક્યું છે.હાઇકોર્ટ અને સરકારનો નિર્ણય સરાહનીય છે.