- ASI રતિલાલ ગાવિતના આપઘાત પ્રકરણ મામલો
- પરિવારે રાજદીપસિંહ વનાર સામે આક્ષેપ લગાવ્યા
- મૃતકની પત્ની ધરમપુરથી આવી સુરત
મૃતક ASIની પત્નીએ લગાવ્યા આક્ષેપ
સુરત: ભીલાડ પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI રતિલાલ ગાવીતે ઝેર ગટગટાવી જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના બાદ પરિવાર શોકમાં છે. રતિલાલની પત્ની હંસાબેન ગાવિતે આરોપ લગાવ્યા છે કે, પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર રાજદીપસિંહ વનાર તેમના પતિને આટલી હદે માનસિક ત્રાસ આપતા હતા કે, તેમણે આ પગલું ભર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, તેમના પતિને સસ્પેન્ડ કરવાની ચીમકી PSI વનાર દ્વારા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજે ગુરુવારે રતિલાલ ગાવીતની પત્ની હંસાબેને પોતાના પતિને ન્યાય અપાવવા માટે સુરત રેન્જ આઇજી રાજકુમાર પંડયનની સામે રજૂઆત કરી પીએસઆઇ વનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી.
રતિલાલ ગાવીતના આત્મહત્યા કેસનું કારણ અકબંધ
ભીલાડ પોલીસ સ્ટેશનના ASI રતિલાલ ગાવિતના ચકચારી પ્રકરણમાં વલસાડ પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ અત્યાર સુધી રતિલાલ ગાવીતના આત્મહત્યા પાછળના ઠોસ કારણ પોલીસ જાણી શકી નથી. બીજી બાજુ તેમની પત્ની હંસાબેન અગાઉ વલસાડના પોલીસ સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાને મળ્યા બાદ આજે ગુરુવારે સુરત રેન્જ આઈ.જી રાજકુમાર પંડ્યાને મળવા પહોંચ્યા હતા. પતિના આત્મહત્યા બાદ પત્ની હંસાબેનની સ્થિતિ પણ સારી નથી. આમ છતાં તેઓ પોતાના પતિને ન્યાય આપવા ધરમપુરથી સુરત સુધી આવ્યા હતા અને લેખિત અરજી કરી ન્યાયની માગ કરી હતી.
મૃતક ASIની પત્નીએ લગાવ્યા આક્ષેપ સસ્પેન્ડ થયા બાદ કોઈ પણ નોકરી તેમને મળશે નહીં
હંસાબેને જણાવ્યું હતું કે, PSI રાજદીપસિંહ વનાર તેમના પતિ રતિલાલને અવાર-નવાર માનસિક ત્રાસ આપતા હતા. રતિલાલની હાલમાં જ હૃદયની સર્જરી થઈ હતી. તે સિક લીવ ઉપર હતા આમ છતાં તેમની સિક લીવ પૂર્ણ થાય તે પહેલાં PSI દ્વારા તેમને બોલાવી લેવામાં આવ્યા હતા અને તેમને વધારે કામ આપતા હતા. આ સાથે અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, PSI વનારે તેમના પતિને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી અને સાથે જણાવ્યું હતું કે સસ્પેન્ડ થયા બાદ કોઈ પણ નોકરી તેમને મળશે નહીં. જેના કારણે રતિલાલ માનસિક તણાવમાં આવી ગયા હતા.
રેન્જ આઇજી પાસે ન્યાયની માંગણી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમના પતિના મૃત્યુ બાદ તેમના મોબાઈલ ફોનમાં છેડછાડ કરવામાં આવી હતી. તેમના મોબાઈલમાં લોક પેટન હતું તેની સાથે પણ છેડછાડ થઈ છે. વલસાડના સુપ્રિટેન્ડન્ટ સાહેબે તેમને યોગ્ય તપાસનું આશ્વાસન આપ્યું છે આમ છતાં અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી ન કરાતાં તે સુરત રેન્જ આઇજી પાસે ન્યાયની માંગણી કરવા આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇમાનદારીપૂર્વક તેમના પતિએ પોલીસ મથકમાં ફરજ બજાવી છે આમ છતાં તેમને તેમના કાર્ય ઉપરાંત વધુ કામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજદીપ વનાર દ્વારા આપવામાં આવતું હતું.
મૃતક ASIની પત્નીએ લગાવ્યા આક્ષેપ મૃત્યુ બાદ જો મોબાઈલ સાથે છેડછાડ કરાઈ હશે તો જવાબદાર સામે ફરિયાદ થશે
ઉલ્લેખનીય છે કે, આ તમામ પ્રકરણ અંગે વલસાડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આત્મહત્યા પ્રકરણમાં પોલીસ તપાસ કરી રહી છે. જે રીતે પરિવારે આક્ષેપ લગાવ્યા છે તે અંગે પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે પણ તપાસ થઇ રહી છે. 2થી 3 એંગલ પોલીસ સામે આવ્યા છે. તમામને લઇ તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને રોલ કોલ દરમિયાન શું ઘટના બની હતી. તે માટે પણ CCTV ફૂટેજ લઇ તપાસ શરૂ કરવામાં આવશે અને ત્યાં હાજર પોલીસ કર્મીઓના DySP દ્વારા નિવેદનો લેવામાં આવી રહ્યા છે. પરિવારે જે મોબાઇલ ફોનના છેડછાડનો આરોપ મુક્યા છે, તે દિશામાં પણ તપાસ કરાઈ રહી છે. તેમનો મોબાઇલ એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યો છે. જો મોબાઈલ સાથે રતિલાલના મૃત્યુ બાદ કોઈ છેડછાડ કરવામાં આવી હશે તો જવાબદાર સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.