ગુજરાત

gujarat

ETV Bharat / city

પરપ્રાંતીય મજૂરોની હિજરત બાદ હવે ધાગા કટિંગનું કામ કરતી મહિલાઓ કાંડી, પલટી મશીન ચલાવતી થઇ

કોરોના કાળમાં લોકડાઉન લાંબુ ખેંચાતાં પરપ્રાંતીયોએ વતન હિજરત કરતાં ઉદ્યોગોને શરૂ કરવાની મુશ્કેલી ઉભી થઇ છે. કાપડ ઉદ્યોગના સાહસિકોએ તાત્કાલિક ધોરણે સ્થાનિકોને રોજગારી આપવાની પહેલ કરીને ઉદ્યોગને ટૂંકમાં ધમધમતો કરવાની તૈયારી દાખવી છે. પ્રારંભિક તબક્કે સૂરતમાં કેટલીક ગુજરાતી મહિલાઓને રોજગારી મળવાની શરૂઆત થઇ હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે મહિલાઓની આવક પણ ત્રણ ગણી થઈ છે.

પરપ્રાંતીય મજૂરોની હિજરત બાદ હવે ધાગા કટિંગનું કામ કરતી મહિલાઓ કાંડી, પલટી મશીન ચલાવતી થઇ
પરપ્રાંતીય મજૂરોની હિજરત બાદ હવે ધાગા કટિંગનું કામ કરતી મહિલાઓ કાંડી, પલટી મશીન ચલાવતી થઇ

By

Published : Jun 6, 2020, 5:07 PM IST

સૂરત: સૂરતના અંજની એસ્ટેટમાં એક વખત આ ભારે ભરખમ મશીનો પરપ્રાંતીય મજૂરો ચલાવતાં હતાં. પરંતુ મજૂરોની હિજરત બાદ ઉદ્યોગ ફરી શરૂ કરવા મોટો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે અંજની એસ્ટેટ કે જ્યાં 1000 વિવિંગ યુનિટ છે ત્યાં સ્થાનિક મહિલાઓને આ મશીન ચલાવવા માટે આપીને ઉદ્યોગકારોએ પહેલ કરી છે. લૉકડાઉનમાં બેરોજગાર બનેલા મૂળ ગુજરાતી અને તેમાં પણ ખાસ મહિલાઓને રોજગારીની તક આપવા એસ્ટેટ દ્વારા પહેલ કરવામાં આવી છે. ધાગા-કટીંગનું કામ કરતી મહિલાઓને દૈનિક 80થી 100 રૂપિયા મળતાં પરંતુ હવે આ મશીનો ચલાવવાથી 250થી 300નું વળતર મળતું થયું છે.

પરપ્રાંતીય મજૂરોની હિજરત બાદ હવે ધાગા કટિંગનું કામ કરતી મહિલાઓ કાંડી, પલટી મશીન ચલાવતી થઇ
કા૫ડઉદ્યોગમાં મહિલાઓને અલગ-અલગ પ્રકારનું જોબવર્ક મળતું રહે છે. ધાગા-કટીંગ, સ્ટોન-સિકવન્સ ચોંટાડવા સહિતનાં કામ મળતાં હોય છે. આ પ્રકારનાં કામ કરવાથી સામાન્ય રીતે દૈનિક રૂ. 80 થી 100ની રોજગારી મળે છે. ભરથાણા ગામના સંજુબહેન ચાવડા પણ વર્ષોથી ધાગા-કટીંગનું કામ કરે છે. પ્રરપ્રાંતીયોએ વતન હિજરત કરતાં તેમની પાસે પલટી મશીનનું કામ આવ્યું છે. છેલ્લાં બે માસથી બેકાર રહ્યાં બાદ કામ મળતાં ખુશ છે. સંજુબહેનની જેમ આ યુનિટમાં કામ કરતી મંજુ અને સંગીતાબહેનને પણ રોજગાર મળ્યો છે. તેઓએ પણ જણાવ્યું હતું કે કોઇ વખત વધુ કામ હોય તો 350 સુધીનું કામ પણ કરી શકાય છે. હાલમાં કામદારોને આર્થિક તંગી હોવાથી રોજેરોજનો પગાર કરી દેવાય છે. કાપડઉદ્યોગમાં 10 લાખથી વધુ ઉત્તર-પૂર્વનાં રાજ્યોના કામદારો કામ કરે છે. હાલમાં 80 ટકા કામદારોએ વતન હિજરત કરી છે. આથી આગામી દિવસોમાં સૂરતમાં કાપડઉદ્યોગને ઝડપભેર ઉભો કરવો પડકાર સમાન બન્યો છે. આ મામલે સૂરતના ટોચના ઉદ્યોગકારો વચ્ચે થયેલી ચર્ચામાં નિષ્કર્ષ મળ્યો કે સ્થાનિક ગુજરાતી બેકારને રોજગારી આ૫વાની ૫હેલ કરવામાં આવે તો હાલમાં ઉભી થયેલી મુશ્કેલીનું નિવારણ કરી શકાય તેમ છે. અંજની ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી વિવર્સ વિજયભાઇ માંગુકિયા જણાવ્યું હતું કે, અમારી પાસે કામદારોની અછત છે. હાલમાં 60 જેટલાં યુનિટોમાં એક પાળીમાં ઉત્પાદન લેવામાં આવે છે. કામદારોની અછતને ટાળવા માટે આજુબાજુનાં ગામડામાંથી લોકોને રોજગારી આ૫વાનું વિચાર્યું છે. પ્રારંભિક તબક્કે મહિલાઓને રોજગારી આપી છે. જેઓ અગાઉ ધાગા-કટીંગનું કામ કરતી હતી તેઓને અમે કાંડી(બોબીન) મશીન, પલટી મશીન, વોપ્રિંગ મશીન, તાકા સફાઇ જેવા કામમાં રોજગારી આપી છે. અગાઉ જે વળતર મળતું હતું તે કરતાં બમણી મજૂરી મશીન પર કામ કરવાથી મળશે. આથી તેઓની આવક પણ વધશે. સ્થાનિકોને રોજગારી આ૫વાનો અમારો ઘ્યેય છે તે આ પ્રકારનાં કાર્યક્રમથી આગળ વધી શકશે. મજૂરો તહેવારોમાં લાંબી રજા લઇ વતન જતાં હોય છે ત્યારે અનેક વખત છૂટક મજૂરો પાસે કામ કરાવતાં હોય છે. પરંતુ આ વખત કોરોનાના લીધે કારીગરોનું વેકેશન લાંબુ ચાલે તેવી સંભાવના છે. એવામાં સ્થાનિક યુવાઓને રોજગારી આપવા બાબતે ઉદ્યોગકારોએ પહેલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details