- કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસના દર્દીની સંખ્યા વધી
- મ્યુકોરમાઇકોસિસના વધતા કેસ જોઈને લોકોમાં ડરનો માહોલ
- વેપારી મનીષભાઈને સાત દાંત કાઢ્યા બાદ ખબર પડી કે મ્યુકોરમાઇકોસિસ થયો છે
સુરતઃ કોરોના બાદ સુરત શહેરમાં મ્યુકરમાઇકોસીસના દર્દીની સંખ્યા વધી રહી છે. કોરોનાથી સાજા થયેલા એમ્બ્રોઇડરીના વેપારી મનીષભાઈને સાત દાંત કાઢ્યા બાદ ખબર પડી હતી કે, તેઓ બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસીસ નામના રોગના શિકાર બન્યા છે. કોરોનાના પ્રથમ ફેઝ દરમિયાન પણ આ રોગના દર્દીઓ જોવા મળ્યા હતા. જોકે, બીજા ફેઝમાં આ રોગના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. ત્યારે મ્યુકરમાઇકોસિસના વધતા કેસ જોઈને લોકોમાં ડરનો માહોલ સર્જાઈ રહ્યો છે. જોકે લોકોએ ગભરાયા વગર ઝડપી નિદાનની જરૂર છે. સમયસર મળેલી સારવારને કારણે આજે સુરતમાં અનેક દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. ગત વર્ષથી શરૂ થયેલા આ રોગમાં નાની મોટી સર્જરી કરાવી ચૂકેલા દર્દીઓ આજે સાજા થયા છે.
આર્ટિફિશિયલ દાંત નંખાવી સંપૂર્ણપણે સ્વસ્થ થશે
કોરોના બાદ મ્યુકરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે. ત્યારે સુરતમાં એવા દર્દીઓ પણ છે જેમને સર્જરી બાદ છ મહિનાથી વધુ સમય થઇ ગયો હોવા છતાં ફૂગનું રીઅકરન્સ થયું નથી અને તેઓ સાજા થયા છે. સર્જરીના સમયે ઇન્ફેકટેડ આખું જડબું કે કેટલાક દાંત કાઢ્યા હોવા છતાં પણ તેઓ આઠ-નવ મહિના બાદ ફરીથી ફૂગ લાગી નથી અને ભવિષ્યમાં આર્ટિફિશિયલ દાંત નંખાવી સંપૂર્ણપણે સ્વસ્થ થશે.
આ પણ વાંચોઃ સુરતમાં મ્યુકોરમાઇકોસીસના કુલ 224 કેસ નોંધાયા, નવી સિવિલ હોસ્પિટલમાં અલગ વૉર્ડ શરૂ કરાયો
કિસ્સો-1
મનીષ શાહને જુલાઈ મહિનામાં અચાનક લોહીની વોમીટ થઈ હતી
અડાજણ વિસ્તારના રહેવાસી મનીષ શાહની ઉંમર 53 વર્ષ છે અને એમ્બ્રોઇડરીનો વ્યવસાય કરે છે. તેઓને ગત જુલાઈ મહિનામાં અચાનક લોહીની વોમીટ થઈ હતી. જેને લઈને તેઓ હોસ્પિટલ ગયા હતા. જ્યાં તેમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ વગર ઓક્સિજન સપોર્ટે 3 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ ઘરે પરત ફર્યા હતા. એટલું જ નહીં તેમને ડાયાબિટીસ અથવા બીપીની સમસ્યા પણ નહોતી. કોરોના સારવાર લીધા બાદમાં દાંતના દુખાવાને કારણે તપાસમાં મ્યુકરમાઇકોસિસનું નિદાન થયું હતું. હાલ તેઓની સ્થિતિ સારી છે.