- લક્ઝરી બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો અને રીક્ષા ચાલકને અડફેટે લીધા
- એકનું ઘટના સ્થળે મોત, 3 લોકોને ગંભીર ઇજા
- લકઝરી બસ ચાલક બસ મૂકી ફરાર થયો
સુરત: જિલ્લામાં દિન- પ્રતિદિન અકસ્માતની ઘટના વધી રહી છે. થોડા દિવસ પહેલા કિમ- માંડવી નજીક પલોદગામ રોડ પર ફૂટપાથ પર સુઈ રહેલા લોકો પર ડમ્પર ફરી વળતા 22 શ્રમજીવી પરિવારના મોત નિપજ્યા હતા અને થોડા દિવસો પહેલા એક ટ્રક ચાલકે BBAના વિધાર્થીને કચડી નાખતા તેનું મોત નીપજ્યું હતું, ત્યારે વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં ગંગા હોટલ નજીક પસાર થઈ રહેલી ઓમ સાઈ રામ ટ્રાવેલ્સની લક્ઝરી બસ પુરઝડપે પસાર થઈ રહી હતી. લક્ઝરી બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો અને રીક્ષા ચાલકને અડફેટે લીધા હતા, ત્યાર બાદ બસ ડિવાઈડર પર ચડી 31 વર્ષીય ભરત રામજીભાઈ લાડુમૂર નામના વ્યક્તિને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 3 લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.