- જાહેરમાં કોવિડ 19ની ગાઇડ લાઇનનો ભંગ કરી જન્મ દિન ઉજવવો ભારે પડ્યો
- ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુબે હાથ ધરશે તપાસ
- પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ફોટા વાયરલ કરી ચેલેન્જ આપ્યો
સુરત: શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા આવશ્યક દિશાનિર્દેશો સાથેની ગાઈડલાઈન બનાવવામાં આવી છે, અલબત આ ગાઇડ લાઇનનો પાલન કરવાની જેમના માથે જવાબદારી છે તેવા પોલીસ અધિકારી દ્વારા જ જાહેરમાં માસ્ક અને સામાજીક અંતરનો છેદ ઉડાવી ને જન્મદિનની ઉજવણી કરવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. સોશિયલ મીડિયામાં ટ્રાફિક વિભાગના એસીપી અશોક સિંહ ચૌહાણ દ્વારા ઉજવવામાં આવેલા જન્મદિનનો વિડીયો વાયરલ થયા બાદ સુરત પોલીસ કમિશ્નર દ્વારા આ વિવાદાસ્પદ અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ કરવામાં આવ્યા છે.
ઉજવણીમાં હાજર એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું ન હતું
ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મદદનીશ પોલીસ કમિશનર અશોક સિંહ ચૌહાણનો સોમવારે જન્મદિવસ હતો. જેની ઉજવણી દિલ્હી ગેટ ફ્લાયઓવર બ્રિજ નીચે જાહેરમાં કરવામાં આવી હતી, જેમાં ચાર પાંચ યુવતીઓ સહિત ઘણા લોકો હાજર હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જન્મદિવસની ઉજવણીમાં હાજર એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું ન હતું તેમજ સામાજિક અંતર પણ જાળવ્યું ન હતું. સુરત શહેરમાં જાહેરનામુ છે કે, કોઈપણ વ્યક્તિ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી શકશે નહીં એટલું જ નહીં સરકારના ગાઇડલાઇનનું પાલન પણ અહીં થયું નહોતું.